વડોદરા તાલુકા પંચાયત દ્વારા 77 ગ્રામ પંચાયત માટે 102 ટ્રેક્ટર ખરીદી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ : જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું

જિલ્લા પંચાયતે તાલુકા પંચાયતનો ટ્રેક્ટર ખરીદીનો ઠરાવ નામંજૂર કર્યો છતાં ટ્રેક્ટર ખરીદી નાણાંનો દૂર ઉપયોગ કર્યો

MailVadodara.com - Vadodara-taluka-panchayat-alleges-102-tractor-purchase-scam-for-77-gram-panchayats-District-Congress-complains-to-collector

- જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા

- વડોદરા તાલુકા પંચાયત ખરીદેલા ટ્રેક્ટરોનો સદઉપયોગ થઇ રહ્યો નથી, તેમજ ખરીદેલા ટ્રેક્ટરો ગ્રામ પંચાયતોમાં ધૂળ ખાઇ રહ્યા હોવાનું તેમજ અંગત કામે ઉપયોગ થઇ રહ્યા હોવાનું કોંગ્રેસની તપાસમાં બહાર આવ્યું


વડોદરા તાલુકા પંચાયત દ્વારા 77 ગ્રામ પંચાયત માટે ખરીદવામાં આવેલા 102 ટ્રેક્ટરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને જવાબદારો સામે FIR દાખલ કરવા માંગ કરી હતી. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચેલા કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભ્રષ્ટાચાર બંધ કરો..ના સુત્રોચ્ચાર કર્યા હતા.

વડોદરા તાલુકા પંચાયત દ્વારા 77 ગ્રામ પંચાયત માટે રૂપિયા 5 કરોડના ખર્ચે 102 ટ્રેક્ટર ખરીદવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત દ્વારા ઠરાવ કરાયા બાદ આ ઠરાવ જિલ્લા પંચાયતમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ, જિલ્લા પંચાયત દ્વારા તાલુકા પંચાયતનો ટ્રેક્ટર ખરીદીનો ઠરાવ નામંજૂર કરવામાં આવ્યો હતો. આમ છતાં, તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા 77 ગ્રામ પંચાયતો માટે રૂપિયા 102 ટ્રેક્ટર ખરીદ કરી પ્રજાના નાણાંનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. વડોદરા તાલુકા પંચાયત દ્વારા પંચાયતના નિયમોને નેવે મૂકીને જ ટ્રેક્ટરો ખરીદવામાં આવ્યા હતા. તે ટ્રેક્ટરનો સદઉપયોગ થઇ રહ્યો નથી. ખરીદ કરવામાં આવેલા ટ્રેક્ટરો ગ્રામ પંચાયતોમાં ધૂળ ખાઇ રહ્યા છે. તો કેટલીક પંચાયતોમાં ટ્રેક્ટરોનો સરપંચો પોતાના અંગત કામે ઉપયોગ કરી રહ્યા હોવાની વિગતો કોંગ્રેસની તપાસમાં બહાર આવી છે.


વડોદરા તાલુકા પંચાયત દ્વારા આચરવામાં આવેલા ટ્રેક્ટર કૌભાંડ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ (કોકો), જિલ્લા પંચાયતના નેતા એમ.આઇ. પટેલની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા આજે રેલી કાઢવામાં આવી હતી. અને જિલ્લા કલેક્ટરને ટ્રેક્ટર કૌભાંડીઓ સામે FIR દાખલ કરવા અને તટસ્થ તપાસ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ભાજપા સાશીત વડોદરા તાલુકા પંચાયતના ટ્રેક્ટર કૌભાંડ અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા હતા. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભ્રષ્ટાચાર બંધ કરો, ભાજપા તેરી તાનાશાહી નહીં ચલેગી, કૌભાંડીઓ સામે ફરિયાદ દાખલ કરો જેવા વિવિધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચારોથી કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી.


જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટે (કોકો) જણાવ્યું હતું કે, વડોદરા તાલુકા પંચાયત દ્વારા ટ્રેક્ટર ખરીદી અંગે કરેલો ઠરાવ નામંજૂર કરવામાં આવ્યો છતા, 102 ટ્રેક્ટરો ખરીદી કરવામાં આવ્યા છે. અને ટ્રેક્ટર ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ટ્રેક્ટર ખરીદીમાં સંડોવાયેલાઓ સામે તાત્કાલિક એફ.આઇ.આર. કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.


જિલ્લા પંચાયતના નેતા એમ.આઇ. પટેલે જણાવ્યું હતું કે, વડોદરા તાલુકા પંચાયત દ્વારા સત્તાનો દૂર ઉપયોગ કરીને ટ્રેક્ટર ખરીદવામાં આવ્યા છે. જે ટ્રેક્ટરો ખરીદવામાં આવ્યા છે. તે ટ્રેક્ટરો જે ગ્રામ પંચાયતોમાં આપવામાં આવ્યા છે. તેનો સદઉપયોગ થવાને બદલે ધૂળ ખાઇ રહ્યા છે. આ ટ્રેક્ટરોનું આર.ટી.ઓ. પાસીંગ પણ થયું નથી. અને ઇન્શોરન્સ પણ નીકળી શકતો નથી. ગ્રામ પંચાયતોમાં જે ટ્રેક્ટરો આપવામાં આવ્યા છે. તે ટ્રેક્ટરો પૈકીના કેટલાાંક ટ્રેક્ટરોનો સરપંચો પોતાના અંગત કામ માટે ઉપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમને મુક્યો છે. આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આજે આવેદન પત્ર આપવામાં આવ્યા બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં નહિં આવે તો આવનારા દિવસોમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

Share :

Leave a Comments