- રાજ્યમાં 40 હજાર જેટલી પ્રી-સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરાયો
- વડોદરામાં 500થી વધુ પ્રી-સ્કૂલ બંધ રહેતા 40થી 50 હજાર વિદ્યાર્થી આજે સ્કૂલ ન જઈ શક્યા
રાજ્યનાં વિવિધ શહેરોમાં ચાલતી પ્રી-સ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતાં એના વિરોધમાં પ્રી-સ્કૂલના સંચાલકો હડતાળ પર ઊતર્યા છે. આજે રાજ્યમાં અંદાજે 40 હજાર જેટલી પ્રી-સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. પ્રી-સ્કૂલેને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે એમાં પ્રી-સ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું BU પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એ શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માગ કરી રહ્યા . રાજ્યની મોટા ભાગની પ્રી-સ્કૂલ મહિલા સંચાલિત છે. ત્યારે મહિલાઓએ પણ આ નિયમોના કારણે પ્રી-સ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલી પ્રી -સ્કૂલોને લઈને જે નિયમો ઘડવામાં આવ્યા છે એના વિરોધમાં આજે પ્રી-સ્કૂલ વેલ્ફેર એસોસિયેશન દ્વારા આજે વડોદરા સહિત રાજ્યભરની પ્રી-સ્કૂલોમાં હડતાળ પાડવામાં આવી છે. વડોદરા શહેરમાં આજે 500થી વધુ પ્રી-સ્કૂલ બંધ છે અને 40થી 50 હજાર વિદ્યાર્થી આજે પ્રી-સ્કૂલમાં જઈ શક્યા નથી, જોકે વાલીઓને મુશ્કેલી ન પડે એ માટે ડે કેર ચાલુ રાખવામાં આવી છે.
વડોદરા પ્રી-સ્કૂલ એસોસિયેશનના પ્રમુખ મયૂરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે મોટા ભાગની પ્રી- સ્કૂલો મહિલાઓ ચલાવે છે અને મહિલાઓ માટે આ નવા નિયમોનું પાલન કરવું અઘરું છે, જેથી અમારી સરકારને વિનંતી છે કે આ નિયમોને હળવા કરવામાં આવે. ભાડાની પ્રોપર્ટીમાં BU પરમિશન માટે મકાનમાલિક પરમિશન આપતા નથી. 15 વર્ષના ભાડા કરાર માટે 3થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે, જે મહિલાઓ માટે ખૂબ જ મુશ્કેલરૂપ સાબિત થઈ શકે છે, જેથી સરકારને અમારી એક જ પ્રાર્થના છે કે આ નિયમોને હળવા કરો, જેથી મહિલાઓની રોજગારી જળવાઈ રહે. સરકાર નિયમો હળવા નહીં કરે તો 90% પ્રી- સ્કૂલો બંધ થઈ જશે અને મહિલાઓની રોજગારી પણ બંધ થઈ જશે. સરકાર આત્મનિર્ભર મહિલાઓની વાત કરે છે તો આ મહિલાઓ પણ બે-પાંચ લાખ રૂપિયા ખર્ચીને આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહી છે. આજે અમારું એક પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં જઈને શિક્ષણ સચિવને મળશે અને અમારી રજૂઆત કરશે.
પ્રી- સ્કૂલ સંચાલક પ્રીતિબેને જણાવ્યું હતું કે હું છેલ્લાં દસ વર્ષથી પ્રી-સ્કૂલ ચલાવું છું. મારી સાથે મહિલા શિક્ષકો અને આયા પણ કામ કરે છે. સરકારના નવા નિયમથી માત્ર સ્કૂલ બંધ નહિ થાય, પરંતુ અનેક લોકોની આજીવિકા બંધ થઈ જશે. અમે ઘણાં વર્ષોથી આ સ્કૂલ ચલાવીને જીવનમાં કાંઈક આગળ વધી શકીએ છીએ. સરકારના આ નિયમો હળવા નહીં થાય તો અમારું ઘર બંધ થઈ જશે. સરકારને અમારી વિનંતી છે કે થોડા નિયમો હળવા કરો તો અમે નિયમોનું પાલન કરવા તૈયાર છે.
પ્રી- સ્કૂલનાં આયા જ જ્યોત્સ્નાબેન શાહે જણાવ્યું હતું કે હું બે વર્ષથી આ પ્રી- સ્કૂલ સાથે જોડાયેલી છું. આ જ સ્કૂલના કારણે જ ઘર ચાલે છે અને આ પ્રી-સ્કૂલ બંધ થઈ જશે તો મારી આજીવિકા પણ બંધ થઈ જશે. પ્રી- સ્કૂલો ચાલુ રાખવામાં આવે એવી અમારી સરકાર સામે માગણી છે.
પ્રી-સ્કૂલના શિક્ષિકા રીનાબેન ઠક્કરે જણાવ્યું હતું કે પ્રી-સ્કૂલોમાં નોકરી કરતી મહિલાઓ પરિવારને સપોર્ટ કરતી હોય છે. તેમના માટે પ્રી-સ્કૂલો બંધ થવાથી ખૂબ મોટો લોસ થશે. અહીં આસપાસનાં નજીકનાં બાળકો ભણવા માટે આવે છે. આવા સંજોગોમાં પ્રી-સ્કૂલો બંધ થઈ જશે, તો તેમને પણ મુશ્કેલી પડશે.
વાલી નીલમબેન ગુપ્તેએ જણાવ્યું હતું કે હું વર્કિંગ વુમન છું, અમારાં બાળકો અહીં ડે કેરમાં સચવાય છે. અહીં અમારાં બાળકોને ઘર જેવું વાતાવરણ મળે છે, તેથી અમને કોઈ ચિંતા રહેતી નથી. જેથી હું સરકારને વિનંતી કરું છું કે પ્રી- સ્કૂલો માટે નિયમો હળવા બનાવો.