વડોદરાના બેંક આસિસ્ટન્ટ મેનેજર સાથે ક્વોન્ટમ AI અને ક્રૂડ ઓઇલ રોકાણના નામે 12.80 લાખની ઠગાઇ

નાણામંત્રીના બનાવટી વીડિયોથી રોકાણની લાલચ આપી ઠગોએ બેંક મેનેજરને ફસાવ્યા

MailVadodara.com - Vadodara-bank-assistant-manager-defrauded-of-12-80-lakh-under-the-pretext-of-Quantum-AI-and-crude-oil-investments

- ક્વોન્ટમ AIમાં રૂ.22 હજારથી રોજ રૂ.75 હજાર કમાણીની લાલચ આપી હતી

- એપ અને ટેલિગ્રામથી સંપર્ક કરી અલગ ખાતામાં રકમ પડાવી, પૈસા ઉપાડતાં એપમાં બેલેન્સ શૂન્ય દેખાયું હતું

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે બનાવટી વીડિયો બતાવી શેરબજારમાં ક્વોન્ટમ AI સ્કીમમાં રોકાણ કરવાથી રોજની મોટી કમાણી થવાની લાલચ આપી સાયબર ઠગોએ વડોદરાની ખાનગી બેંકના આસિસ્ટન્ટ મેનેજર સાથે ઠગાઈ આચરી છે. અલી નામના વ્યક્તિ સહિતના શખ્સોએ એપ્લિકેશન કોલ અને ટેલિગ્રામ મારફતે સંપર્ક કરી અલગ-અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી હતી. એટલું જ નહીં, સાઉદીમાં ક્રૂડ ઓઇલના રોકાણમાં સારો નફો થશે તેમ કહી બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડ મારફતે 12.80 લાખ રૂપિયા પડાવ્યા હતા વેબસાઈટમાં નફા સાથેની રકમ નહીં ઉપાડી આપી વધુ રૂપિયાની માંગણી કરતા મેનેજરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

સનફાર્મા રોડ પર રહેતા અને 18 વર્ષથી ખાનગી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો યુવક ગત 15 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા જોઈ રહ્યો હતો ત્યારે એક ન્યૂઝ ચેનલના એન્કર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણનો વીડિયો દર્શાવતી જાહેરાત જોવા મળી હતી. વીડિયોમાં ક્વોન્ટમ AIમાં રૂ.22 હજારનું રોકાણ કરવાથી રોજ રૂ.75 હજાર અને મહિને લાખો રૂપિયાની કમાણી થવાની લાલચ આપવામાં આવી હતી.

આ જાહેરાતની લિંક પર જઈને નામ, મોબાઇલ નંબર, ઈ-મેઇલ, જન્મ તારીખ, સરનામું સહિતની વિગતો ભરી હતી. ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ અલી નામના વ્યક્તિનો એપ્લિકેશન કોલ આવ્યો હતો. તેણે શેરબજારમાં રોકાણની સ્કીમ સમજાવી રૂ.22 હજાર ઉપરાંત ચાર્જ સાથે રૂ.25 હજાર ભરાવ્યા હતા, ત્યારબાદ ઠગોએ સાઉદીના બાદશાહ સાથે વાત કરાવી ક્રૂડ ઓઇલમાં રોકાણ કરવાથી યુદ્ધના કારણે ભાવ વધશે અને સારો નફો મળશે તેવી વાત કરી વધુ રકમો પડાવી હતી.

ફરિયાદીએ 17 ફેબ્રુઆરીથી 8 જૂન દરમિયાન અલગ-અલગ બેંક ખાતામાં રૂ.10.25 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડમાંથી પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.2.55 લાખથી વધુની રકમ ડેબિટ થઈ હતી. આ દરમિયાન ઠગોએ એપમાં રોકાણની મોટી રકમ દેખાડી વિશ્વાસ જાળવી રાખ્યો હતો. જોકે, રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં એપમાં બેલેન્સ શૂન્ય દેખાયું હતું. ત્યારબાદ વિદેશી મોબાઇલ નંબર પરથી ફોન કરી રકમ પરત મેળવવા માટે વધુ 7 લાખ રૂપિયા ભરવા પડશે તેમ કહ્યું હતું. આ સમયે યુવકને પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. જેના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments