- માળીવાસ, ત્રિકમપુરા, નર્સરી વિસ્તાર, મોતીનગર અને કાલુમિયાવાળ સહિતના વિસ્તારોમાં વીજ કાપ મુકાતા ખેડૂતો અને રહીશોને ભારે હાલાકી, કાયમી ઉકેલ માટે અધિકારીઓ સમક્ષ રજૂઆત

પાદરા તાલુકાના રોડ વિસ્તાર, માળીવાસ, ત્રિકમપુરા, નર્સરી વિસ્તાર, મોતીનગર અને કાલુમિયાવાળ સહિતના વિસ્તારોમાં વારંવાર વીજ કાપ મુકાઈ રહ્યો છે. આના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. GEBના ડભાસા ફીડર હેઠળ આવતા ગામોમાં વારંવાર વીજળી ગુલ થઈ જતી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પાદરા GEB કચેરીએ પહોંચ્યા.

વીજપુરવઠાની સમસ્યાને લઈને મહિલાઓ સહિત સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં AG ફીડર મારફતે એક હજારથી વધુ મકાનોને વીજ કનેક્શન અપાયા છે. વારંવાર વીજળી જતી રહેતા ખેડૂતો અને રહીશોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે, વીજ સમસ્યાને લઈને GEB અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરાઈ છે. તેમ છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. જેના પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને તેઓ મોટી સંખ્યામાં GEB કચેરીએ પહોંચ્યા હતા.
સ્થાનિકોએ વહેલી તકે વીજપુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. જો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.



