GETCOની ભરતી પ્રક્રિયાને લઈ ઉમેદવારોનો વિરોધ, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણ બંધ કરવા માંગ

GETCO ભરતીને લઈને ઉમેદવારોએ આંબેડકર સર્કલ પાસે વિરોધ નોંધાવ્યો

MailVadodara.com - Candidates-protest-against-GETCOs-recruitment-process-demand-complete-abolition-of-the-outsourcing-contract-system

- GETCOની ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતીમાં 271 જગ્યાનો પ્રથમ રાઉન્ડ આવતા ઉમેદવારોએ આંદોલન કર્યું, 8 હજાર ભરતીના વાયદા પૂર્ણ કરવા રજૂઆત કરાઈ


GETCOમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈ ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજે શહેરના આંબેડકર સર્કલ પર જેટકો કંપનીની બહાર ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આવેલા ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયાને લઈ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સૂત્રોચ્ચાર સાથે વિદ્યાભવન ગેટ આગળ બેસી વિરોધ દર્શાવ્યો હતો.

ઉમેદવારોએ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણપણે બંધ કરી નિયમિત ભરતીની માગ કરી છે. GETCOમાં ભવિષ્ય સુરક્ષિત કરવા અને લાયકાત ધરાવતા ઉમેદવારોને ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં જાહેર થયેલી 8 હજાર ભરતીના વાયદા પૂર્ણ કરવાની પણ માગ ઉઠી છે. 2026ની ભરતી પ્રક્રિયામાં વધુ સમય લાગે તો મેરિટ લિસ્ટ પૂર્ણ થાય ત્યાં સુધી સમયમર્યાદા વધારવા માગ કરવામાં આવી રહી છે.

ડીસાથી આવેલા યુવા આંદોલનકારી વિક્રમ એદૈલિયાએ મીડિયા સમક્ષ વીજ કંપનીઓમાં ચાલી રહેલા ખાનગીકરણ અને આઉટસોર્સિંગ સામે સખત વાંધો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુખ્ય માંગ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવાની છે. તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 2013ના આંદોલન સમયે GETCOના અધિકારીઓએ 8,000થી વધુ નવી જગ્યાઓ પર ભરતી કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ વર્તમાનમાં માત્ર 271 જગ્યાઓનો જ પહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે જે અત્યંત અસંતોષકારક છે. વધુમાં તેમણે માંગ કરી છે કે યુવાનો માટે ભરતીની પ્રક્રિયા મોટા પાયે કરવામાં આવે જેથી બેરોજગારી દૂર થઈ શકે. જો તંત્ર દ્વારા તેમની આ મહત્વપૂર્ણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને યોગ્ય નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં મજબૂર થઈને ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

કપડવંજથી આવેલા ખાંટ હિતેશ નામના યુવાને જણાવ્યું હતું કે, GETCO દ્વારા 5 એપ્રિલ,2026ના રોજ લેવાયેલી પરીક્ષામાં વ્યાપક અન્યાય થયો છે. અંદાજે 5600 ઉમેદવારો સામે માત્ર 273 ઉમેદવારોના જ પ્રથમ અલોટમેન્ટ બહાર પાડવામાં આવ્યા છે. ત્યારબાદ બાકીના અલોટમેન્ટ માટે 7/7ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ દ્વારા આઠમા મહિનામાં અલોટમેન્ટ જાહેર થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ગાંધીનગર આવેદનપત્ર આપવા છતાં કોઈ જ યોગ્ય જવાબ મળ્યો નથી.
આ અન્યાય સામે લડવા અને યુવાનોને એકઠા કરી વહેલી તકે મોટામાં મોટું અલોટમેન્ટ બહાર પાડવાની માંગણી સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. યુવાને ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને વહેલી તકે નિમણૂક પત્રો નહીં અપાય, તો તેઓ અહીંથી હટવાના નથી અને આ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે.

અરવલ્લીથી આવેલા રાવલ વિમલે જણાવ્યું હતું કે, 4 હજાર કે તેથી વધુ જગ્યાઓ પર કાયમી સરકારી ભરતી કરવામાં આવે અને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરીને તમામ યુવાનોને સરકારી નોકરીનો લાભ મળે તેવી મુખ્ય માંગ સાથે આવ્યા છે. તેમજ ઓર્ડર ક્યારે આપવામાં આવશે અને કેટલા ઉમેદવારોનો રાઉન્ડ પડશે તેની તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગણી સાથે તેઓ રજૂઆત કરવા આવ્યા છે.
મધ્ય ગુજરાતના વિવિધ ગામડાઓ અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં યુવાનો આજે એકત્રિત થઈને જેટકોની ભરતી પ્રક્રિયા અને કોન્ટ્રાક્ટ પ્રથા સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. 

Share :

Leave a Comments