વડોદરા ગ્રામ્ય LCBએ એક જ રાતમાં 80.43 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડયો!

એલસીબીએ નેશનલ હાઇવે નંબર 48 ઉપર પેટ્રોલિંગ દરમિયાન દારૂનો જથ્થો ઝડપ્યો

MailVadodara.com - Vadodara-Rural-LCB-cleared-80-43-lakhs-worth-of-liquor-and-beer-in-a-single-night

- કરજણ માંગલેજ ચાર રસ્તા પાસેથી હાલોલ લઇ જવાતો રૂપિયા 45.60 લાખની કિંમતનો 950 પેટી દારૂનો જથ્થો ઝડપાયો, ટેન્કર ચાલકો-ક્લિનરોની ધરપકડ

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પસાર થયેલી રાત્રિ દરમિયાન બાતમીના બંધ બોડીના કન્ટેનરોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં ઘૂસાડવામાં આવતો દારૂ-બિયરનો રૂપિયા 80.43 કરોડનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. ગતમોડી રાત્રે એલસીબીએ નેશનલ હાઇવે નંબર 48 ઉપર પેટ્રોલિંગ દરમિયાન કરજણ માંગલેજ ચાર રસ્તા પાસેથી હાલોલ લઇ જવાતો રૂપિયા 45.60 લાખની કિંમતનો 950 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે આ ગુનામાં ટેન્કર ચાલકો-ક્લિનરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દમણ, હરીયાણા અને ગોવાથી ગુજરાતમાં આવી રહેલા દારૂને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને ડીવાયએસપી એ.એમ. પટેલ દ્વારા એલસીબીને કડક સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રે ઘનિષ્ઠ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કરજણ પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલુ એક કન્ટેનર અને વરણામાં પોલીસ મથકની હદમાંથી એક દારૂ ભરેલું કન્ટેનર અને બીજું બિયરનો જથ્થો ભરેલુ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે.

આ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માંગલેજ ચોકડી પાસેથી હાલોલ લઇ જવાતા રૂપિયા 45.60 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે અબ્દુલ મલિક હમીદહુસેન ખાન (રહે. આપટા, રાયગઢ, મહારાષ્ટ્ર, હાલ રહે. ગણેશનગર, ચોર તારાપુર, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ દારૂનો જથ્થો ભરી આપનાર અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ રૂપિયા 55,65,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત એલસીબીની ટીમે વરણામા પોલીસ મથકની હદમાં કપુરાઇ પાસે આવેલી શ્રધ્ધા કાઠિયાવાડી હોટલના કમ્પાઉન્ડમાંથી રૂપિયા 23,47,968ની કિંમતનો દારૂ ભરેલી 285 પેટી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. આ દારૂનો જથ્થો પ્રવાહી ભરેલા પતરાના 64 બેરલની આડમાં લઇ જવાતો હતો. જોકે, આ દારૂનો જથ્થો નિયત સ્થળે પહોંચે તે પહેલાં કન્ટેનરની ચાલક તોફીક ઉસ્માન મેવ (રહે. રંગીલા રાજપૉર, નુહ મેવાત, હરીયાણા) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુનામાં ચાલક તથા ક્લીનર મુસ્તાક ( રહે. ધમાલા, હરીયાણા) સામે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર જિલ્લા એલસીબીએ વોચ ગોઠવી બંધ બોડીના કન્ટેનરમાં સફેદ પાઉડરની આડમાં મોરબી લઇ જવાતો રૂપિયા 14.91 લાખની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો.

Share :

Leave a Comments