- યોજના જાહેર થતા પહેલા જેને એડવાન્સ વેરો ભર્યો તેને પણ લાભ મળશે
- બાકી વેરો અને એડવાન્સ વેરો ભરે તો જ લાભ મળશે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 1 ટકો વધુ લાભ મળશે
વડોદરા મહાનગરપાલિકાના આકારણી શાખા દ્વારા શહેરના કરદાતાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વડોદરા શહેરની હદમાં આવેલી તમામ રહેણાંક અને બિન-રહેણાંક મિલકતોના માલિકો જો પોતાનો ચાલુ વર્ષનો કુલ મિલકત વેરો પાછલા વર્ષોની કોઈ પણ બાકી રકમની સાથે પૂરેપૂરો એડવાન્સમાં ભરપાઈ કરશે, તો તેમને ટેક્સમાં આકર્ષક વળતર આપવામાં આવશે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કરદાતાઓને સમયસર વેરો ભરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને મહાનગરપાલિકાની આવકમાં વધારો કરવાનો છે.જે કરદાતાઓએ ચાલુ નાણાકીય વર્ષના મિલકત વેરાની રકમ આ યોજના સત્તાવાર રીતે દાખલ થઈ તે પહેલાં જ એડવાન્સમાં ભરી દીધી છે, તેઓને પણ આ યોજનાનો લાભ આપવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી છે.
આ યોજના હેઠળ વળતરના માપદંડો ખૂબ જ સ્પષ્ટ રાખવામાં આવ્યા છે. રહેણાંક હેતુ માટે ઉપયોગમાં લેવાતી મિલકતોના પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકાની માતબર છૂટ આપવામાં આવશે, જ્યારે બિન-રહેણાંક એટલે કે વ્યાવસાયિક હેતુની મિલકતોના પ્રોપર્ટી ટેક્સની રકમમાં 5 ટકા વળતર મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે પાલિકા દ્વારા એક વિશેષ જાહેરાત પણ કરવામાં આવી છે, જે અંતર્ગત જો ઉપરોક્ત બંને કિસ્સાના કરદાતાઓ પોતાના વેરાની રકમ ઓનલાઈન માધ્યમથી ભરશે, તો તેમને નિયત વળતર ઉપરાંત વધુ 1 ટકાનું વધારાનું ડિજિટલ વળતર આપવામાં આવશે.
કરદાતાઓએ એ ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે આ યોજના હેઠળ મળવાપાત્ર વળતર પ્રોપર્ટી ટેક્સની કુલ રકમ પૈકી માત્ર સામાન્ય કર, પાણી કર, કન્ઝરવન્સી અને સુઅરેઝ ટેક્સની રકમ પર જ ગણવામાં આવશે. તેમજ જો મિલકતનો પાછલા વર્ષોનો કોઈ પણ ટેક્સ બાકી હશે, તો તે ચાલુ વર્ષના એડવાન્સ ટેક્સ સાથે ચૂકવવો ફરજિયાત રહેશે, અન્યથા આ યોજનાનો લાભ મળી શકશે નહીં. આ એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજનાનો અમલ આજ રોજ એટલે કે તારીખ 10 જૂન 2026થી શરૂ થઈ ચૂક્યો છે અને તે આગામી તારીખ 24 જુલાઈ 2026સુધી કાર્યરત રહેશે.
વડોદરા શહેરના તમામ કરદાતાઓને આ મર્યાદિત સમયગાળા દરમિયાન યોજનાનો મહત્તમ લાભ લેવા માટે વહીવટી તંત્ર દ્વારા આગ્રહભરી અપીલ કરવામાં આવી છે. મિલકત વેરાની આ રકમ ભરવા માટે પાલિકા દ્વારા બે ઉત્તમ વિકલ્પો આપવામાં આવ્યા છે. કરદાતાઓ વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર જઈને કોઈપણ સમયે ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. જે નાગરિકો રૂબરૂ આવીને ટેક્સ ભરવા માંગતા હોય, તેઓ વડોદરાના તમામ વહીવટી વોર્ડ નંબર 1 થી 19 ની નિયત કચેરીઓમાં કામકાજના દિવસો દરમિયાન સવારે 9.30 કલાકથી બપોરના 3 કલાક સુધીમાં જઈને ટેક્સ જમા કરાવી શકે છે.


