શહેરીજનોને આગામી 25 દિવસ સુધી પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે, વરસાદ મોડો આવશે તો નર્મદા નિગમ પાસેથી પાણી લેવાશે

સિંધરોટ ફ્રેન્ચવેલ ખાતે આજે મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લીધી

MailVadodara.com - City-dwellers-will-not-face-any-water-problem-for-the-next-25-days-if-the-rains-come-late-water-will-be-taken-from-Narmada-Nigam

- 125 MLDની લાઈન નાખવાનું કામ હાલ પુરજોશમાં, પ્રેશરની સમસ્યા માટે પંપ લગાવાશે

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું, હાલમાં અમે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને પત્ર લખ્યો છે, વરસાદ પાછો ખેંચાશે તો તેઓ પાસેથી 30 MLD પાણી લઈશું

વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પૂરતા દબાણ સાથે પાણી નહીં મળી રહ્યું હોવાની બૂમરાણો વચ્ચે મહાનગરપાલિકા તંત્ર દ્વારા બેઠકોનો દોર શરુ કરવામાં આવ્યો હતો. આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા સિંધરોટ ફ્રેન્ચવેલ ખાતે મુલાકાત લેવામાં આવી હતી. શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે સિંધરોટ ઉપરાંત ફાજલપુર અને આજવાની પણ મુલાકાત લેવામાં આવનાર હતી.


મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આજવા સરોવરની સપાટી હાલમાં 206 છે. જેના કારણે આગામી 20 થી 25 દિવસ સુધી શહેરીજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. શહેરીજનોને પૂરતા દબાણ સાથે પાણી મળી રહે તે માટેનું આયોજન છે. કેટલાક વિસ્તારમાં સોસાયટીના રહીશો દ્વારા કૃત્રિમ રીતે અછત ઉભી કરવામાં આવી છે અને તેને ડામવા માટે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર મોટર્સ અને ગેરકાયદેસર કનેક્શન ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, હાલમાં અમે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને પત્ર લખ્યો છે. જો વરસાદ પાછો ખેંચાય તો અમે તેઓ પાસેથી 30 MLD પાણી લઈશું. સાવચેતીના ભાગરૂપે હાલમાં તેઓને પત્ર લખી દેવામાં આવ્યો છે. જો કે હાલમાં મહાનગરપાલિકાના જે સ્ત્રોત છે તેમાંથી જ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરમાં 125 MLD પાણી મળી રહે તે માટે ચૂંટણીના કારણે કામ થોડું વિલંબમા પડ્યું હતું. હવે આ કામને ગતિ આપવામાં આવી છે. અને આગામી ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થઇ જાય તેવી આશા છે. આ 125 એમએલડીમાંથી 75 એમએલડી આગામી એક મહિનામાં મળી જાય તેવું આયોજન છે જેમાંથી 40 એમએલડી પાણી પૂર્વ ઝોન માટે અને થોડું દક્ષિણ ઝોનમાં વિતરિત કરવામાં આવશે.

મ્યુ. કમિશનરે સિંધરોટ ફ્રેન્ચવેલની મુલાકાત લીધી, શહેરીજનોને આગામી 20 - 25  દિવસ સુધી પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે

શહેરમાં પૂરતા દબાણ સાથે પાણી મળે તે માટે 5 એમએલડી પ્રેશર પમ્પ લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં નવો એક પ્રેશર પંપ લગાવવામાં આવશે જેનાથી કેટલાક વિસ્તારમાં જે અપૂરતા દબાણનો ઈશ્યુ છે તે સોલ્વ થઇ જશે. લોકોને પૂરતા દબાણ સાથે પાણી મળી રહે તે માટે કોર્પોરેશન તંત્ર કાર્યરત છે અને આગામી સમયમાં તેના ઉપર જ કામ કરી રહ્યા છે. જેથી નગરજનોએ કોઈ પેનિક થવાની જરૂર નથી એમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.

અરુણ મહેશ બાબુએ પુનઃ એક વખત જણાવ્યું હતું કે, કેટલીક સોસાયટીના રહીશો દ્વારા તેઓને સંપ બનાવવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ તેઓ દ્વારા પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા છે. કેટલાક સ્થળોએ કોર્પોરેશનની પાણી વિતરણ સમસ્યાથી વિપરીત કામગીરી કરવામાં આવી રહી છે અને લોકો એવો આગ્રહ રાખી રહ્યા છે કે તેઓને ઉપરના માળ સુધી પાણી પહોંચે. ત્યારે હાલમાં લોકોને પણ અપીલ છે કે, પાણીનો વપરાશ પણ યોગ્ય રીતે કરે. કોર્પોરેશન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કટિબદ્ધ છે તેમ તેઓએ જણાવ્યું હતું.

Share :

Leave a Comments