રક્ષાબંધન પર્વે વડોદરા GSRTCનું આયોજન, 23થી 29 ઓગસ્ટ દરમિયાન રોજ 50 વધારાની બસ દોડાવશે

રક્ષાબંધન પર્વે મુસાફરોની ભીડને પહોંચી વળવા GSRTCએ વધારાની બસોની વ્યવસ્થા કરી

MailVadodara.com - Vadodara-GSRTC-arrangements-for-the-Raksha-Bandhan-festival-50-extra-buses-will-run-daily-from-August-23-to-29

- વડોદરાથી અમદાવાદ, રાજકોટ, સુરત, દાહોદની એકસ્ટ્રા બસ દોડાવાશે, મુસાફરોનો વધુ ધસારો હશે તો તાત્કાલિક બસ મુકવાની તૈયારી, , રોજિંદી 1200 ટ્રીપ યથાવત્ રહેશે

- અમદાવાદ, સુરત, રાજકોટ અને દાહોદ સહિતના રૂટ પર સંચાલન થશે, રક્ષાબંધન સહિતના તહેવારને લઈ એસટી વિભાગ સજ્જ, દૈનિક 2500થી 3000 મુસાફરોને સીધો લાભ મળશે

આગામી રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વડોદરા વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તહેવાર દરમિયાન લોકો સરળતાથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે તે હેતુથી 23થી 29 ઑગસ્ટ દરમિયાન વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનથી રોજિંદી 50 વધારાની બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરા GSRTC વિભાગીય નિયામકના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી દૈનિક અંદાજે 1200 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે. જે તહેવાર દરમિયાન પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને રાખી અમદાવાદ, રાજકોટ, સુરત, દાહોદ, ઝાલોદ અને મોડાસા સહિત અલગ-અલગ જિલ્લાઓ અને તાલુકા મથકો તરફ વધારાની એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે.

રક્ષાબંધન પર્વ નિમિત્તે શરૂ કરવામાં આવનાર આ વધારાની 50 બસના સંચાલનથી દૈનિક અંદાજે 2500થી 3 હજાર મુસાફરોને સીધો લાભ મળશે. તહેવારના દિવસોમાં બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા સરળતાથી અને સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા પરિવહનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

એસટી તંત્ર દ્વારા વધુમાં ખાતરી આપવામાં આવી છે કે, જો તહેવારના દિવસો દરમિયાન બસ સ્ટેશન પર મુસાફરોનો ધસારો અપેક્ષા કરતાં વધુ રહેશે, તો ઓન-ડિમાન્ડ તાત્કાલિક ધોરણે આનાથી પણ વધુ બસ મૂકવાની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડતા કે હાલાકી ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

Share :

Leave a Comments