તાંદલજા વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડામાં ઓક્સિજનના સિલિન્ડરો મૂકી અનોખો વિરોધ

ખખડધજ બનેલા રસ્તાનુ રીપેરીંગ કામ ન કરાતા યુથ કોંગ્રેસ દ્વારા સ્થાનિકોને સાથે રાખી વિરોધ

MailVadodara.com - Unique-protest-by-placing-oxygen-cylinders-in-a-pothole-on-the-road-in-Tandalja-area

- યુથ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું કે, વર્ષોથી અમારા વિસ્તારના રોડ-રસ્તાની હાલત ખરાબ છે, આજે તેમાં ઓક્સિજન સિલિન્ડરો મુકીને અમે આ હકીકત લોકો સમક્ષ મુકી રહ્યા છે


વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વર્ષોથી રસ્તાની હાલત ખખડધજ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે યુથ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ઓક્સિજનના સિલિન્ડરો મુકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી અમારા વિસ્તારના રોડ-રસ્તાની હાલત ખરાબ છે. આજે તેમાં ઓક્સિજન સિલિન્ડરો મુકીને અમે આ હકીકત લોકો સમક્ષ મુકી રહ્યા છે.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પાલિકા દ્વારા રોડ નવા તો ઠીક ખખડધજ બની ગયેલા રસ્તાનુ રીપેરીંગ કામ પણ કરવામાં ન આવતા આજે યુથ કોંગ્રેસ દ્વારા સ્થાનિકોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓક્સિજન સિલિન્ડર ખાડામાં મૂકી અનોખી રીતે કરવામાં આવેલા વિરોધે વિસ્તારમાં આકર્ષણ જમાવ્યું હતું. સાથે લોકોએ પાલિકા સામે રોષ પણ ઠાલવ્યો હતો.

યુથ કોંગ્રેસના અગ્રણી અસ્ફાક મલેકે જણાવ્યું હતું કે, તાંદલજા ગામ તરફ જવાના રસ્તો ખખડધજ હાલતમાં છે. પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડા કોઇ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આ અંગે પાલિકા દ્વારા ધીમી ગતિએ કામ કરવામાં આવતા આજે યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા રિફાઇ પાર્ક સોસાયટી સામે વિરોધ કરવામાં આવ્યો છે. અમે ખાડામાં ઓક્સિજનના સિલિન્ડરો મુકીને પાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષોથી અમારા તાંદલજા વિસ્તારનો રોડ ઓક્સિજન પર છે. છેલ્લા 20 વર્ષથી તાંદલજામાં રોડ-રસ્તા બિમાર હાલતમાં છે. વડોદરા પાલિકાના અધિકારીઓ આ રોડનો કોઇ ઇલાજ કરતા નથી. જેથી અમે રોડને અમે ઓક્સિજન આપવાનું કામ કર્યું છે. વિતેલા દોઢ મહિનાથી પાલિકા દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે. તેની ફરતે કોઇપણ પ્રકારે બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી. આ ખાડામાં કોઇ પણ પડી શકે છે અને તેનું મૃત્યું થઇ શકે છે. જેથી આજે અમે આ રોડ ઉપર કોઇ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે રોડને ઓક્સિજન આપ્યો છે. જરૂર પડશે તો આ ખાડામાં અધિકારીઓને પણ ઉતારવામાં આવશે. આ કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માગ છે.

Share :

Leave a Comments