શિનોરના ઝાઝંડ ગામ પાસે ધો. 11નું વાર્ષિક પરિણામ લઈ પરત ફરતા બે વિદ્યાર્થીના મોત

બાઇકચાલક ચાલક યુવકે આઇસર ટેમ્પોની ઓવરટેક મારવાની ઉતાવળ કરતા અકસ્માત થયો

MailVadodara.com - Two-students-died-while-returning-with-their-annual-results-of-Std-11-near-Jhajhand-village-in-Shinor

- અન્ય બેને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા, પિતાની નજર સામે પુત્રનું મોત


વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ઝાઝંડ ગામ પાસે બાઈક સવાર ચાર યુવાનો અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ધો. 11માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય બેને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઝાઝંડ ગામના ત્રણ વિદ્યાર્થીઓ ગામના યુવાનના બાઈક ઉપર ધો. 11ની વાર્ષિક પરીક્ષાનું પરિણામ લઈ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.


મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના ઝાઝંડ ગામના ધો. 11માં અભ્યાસ કરતા શિવમ નટવરભાઈ વસાવા, કરણ રમેશભાઈ વસાવા, ધો. 9માં અભ્યાસ કરતા સુમિત કનુભાઈ વસાવા મોટા ફોફળીયાની એન.સી. પટેલ ભારતીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા. આજે શાળામાં ધો. 11 અને ધો. 9નું વાર્ષિક પરિણામ હોય તે લેવા જવા માટે ગામના ભાસ્કર રમણભાઈ વસાવા પોતાની બાઈક પર ત્રણેયને બેસાડી પરિણામ લેવા ગયા હતા. પરિણામ લઈ ઝાઝંડ પરત ફરતા હતા ત્યારે મોર તળાવ વિસ્તાર પાસે આગળ ચાલતા આઇસર ટેમ્પોની સાઇડ કાપવા જતા સામેથી આવતું ટ્રેક્ટર જોઇ બાઇકચાલક ભાસ્કર વસાવા ઓવરટેક મારવાની ઉતાવળ કરતા અકસ્માત થયો હતો. જેમાં બાઇક પર જતા ચારેય યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં ધો. 11માં અભ્યાસ કરતા બંને મિત્ર કરણ વસાવા અને શિવમ વસાવાને ગંભીર ઇજા પહોંચતા તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ધો. 9માં અભ્યાસ કરતા સુમિત વસાવા અને બાઇકચાલક ભાસ્કર વસાવાને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા.


આ બનાવની જાણ શિનોર પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝાઝંડ ગામના એક જ જ્ઞાતિના બે સગીરના મોત નિપજતાં ગામમાં ગમગીની છવાઈ હતી. જોકે, મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં મૃત્યુ પામનાર શિવમ વસાવાના પિતા સામેથી ટ્રેક્ટર લઈને આવતા હતા. તે જ સમયે બાઈક આઇસર ટેમ્પાની ઓવરટેક કરવા જતા અડફેટે આવ્યું હતું. જેમાં પિતાએ પુત્રને રોડ ઉપર ફંગોળાતા જોયો હતો. પોતાના પુત્રનું નજર સામે મોત નિપજતા પિતા સ્થળ પર ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા.

Share :

Leave a Comments