- ઇજાગ્રસ્તોને સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસે ફરાર ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી
વડોદરા જિલ્લાના સાવલી વસનપુરા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે આજે ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે રિક્ષાને અડફેટે લેતા સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામા સવાર 5 પૈકી એક જ ગામના 2 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય 3ને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓટોરિક્ષામાં પાંચ વ્યક્તિ માનતા પૂરી કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.
મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા અને મોકસી ગામના પાંચ વ્યક્તિઓ ભમ્મર-ઘોડા ગામે મેલડી માતાના દર્શન કરવા અને માનતા પૂરી કરવા માટે ઓટોરિક્ષામાં ગયા હતા. તમામ દર્શન કરી રિક્ષામાં પરત સાવલી તરફ આવી રહ્યા હતા. દરમિયાન સાવલીથી હાલોલ તરફ લાકડા ભરીને પુરઝડપે આવતી ટ્રકચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં ગીરવતભાઈ ઉદાભાઈ ગામેચી (રહે. ભાદરવા તા. સાવલી) તેમજ જયપાલસિંહ અર્જુન સિંહ સોલંકી (હાલ રહે. મોકસી તા. સાવલી મૂળ રહે. હડમતીયા તા. લુણાવાડા)નું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે મહેશભાઈ રમણભાઈ માછી અને મહેશભાઈ શંકરભાઈ માછી સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર રીતે ઇજા પહોંચી હતી.
આ ઘટના બનતાં સ્થાનિક લોકો એકઠાં થઇ ગયા હતા. અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી ટ્રકનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સાવલી પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.