- આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ ટ્રકમાં પાછળથી ઘૂસી ગઈ હતી, બસની કેબિનમાં બેઠેલા બે લોકોના મોત
વડોદરામાં 20 એપ્રિલની મોડી રાત્રે ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અમદાવાદના ચંદુભાઈ અને તેમનાં પત્ની સુરતથી સામાજિક પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતાં. તેઓનો સોફો બસના પાછળના ભાગે હતો, પરંતુ હોટલ નજીક આવતા ચંદુભાઈ બસમાં આગળ આવીને બેઠા હતા ને અકસ્માતે જીવ ગુમાવ્યો છે. જો તેઓ પાછળ બેઠેલા હોત તો બચી ગયા હતો.
મૃતક ચંદુભાઈ કુંભાણીના પુત્ર હિરેનભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે પવન ટ્રાવેલ્સની બસ સુરતથી અમદાવાદ તરફ આવી રહી હતી, તે સમયે વડોદરા પાસે અકસ્માત થયો હતો. જેમાં મારા પિતા ચંદુભાઈ કુંભાણીનું અવસાન થયું છે. મારા પિતા બસમાં પાછળના સોફામાં બેઠા હતા. પરંતુ હોટલ નજીક હોવાથી તેઓ આગળ આવીને બેઠા હતા. આ સમયે જ અકસ્માત થતા મારા પિતાએ જીવ ગુમાવ્યો છે. એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા મારાં માતા-પિતા અમદાવાદથી સુરત ગયાં હતાં. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત થતાં સવારે 4 વાગ્યે મારા માતાનો મારી પર ફોન આવ્યો હતો, તેથી હું વડોદરા આવી ગયો હતો.
એક મૃતકનાં પરિવારજન નરસિંહભાઈ ભુરાભાઈ દેસાઈએ જણાવ્યું કે, રાત્રિના 11 વાગ્યે પવન ટ્રાવેલ્સની બસ સુરતથી ઊપડી હતી અને અમદાવાદ જઈ રહી હતી. આ સમયે વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી પાસે અકસ્માત થયો હતો. આગળ ટ્રક હતો તેની પાછળ બસ અથડાઈ હતી. બસની કેબિનમાં બેઠેલા બે લોકોના મોત થયા છે. આ બસમાં મારા સંબંધી હતા, જેમનું મોત થયું છે. હું પણ સુરતથી કાર લઈને જઈ રહ્યો હતો, એટલે જાણ થતાં સયાજી હોસ્પિટલમાં આવ્યો છું.
મૃતકના નામ
ચંદુભાઈ સવજીભાઈ કુંભાણી ઉંમર વર્ષ 58 રહે. અમદાવાદ
પાર્થ કિશોરભાઈ બાવળિયા ઉંમર વર્ષ 25 રહે. અમરેલી
ઈજાગ્રસ્તના નામ
કમલેશભાઈ શંભુભાઈ પ્રજાપતિ, ઉં.વ. 46 રહે. અમદાવાદ
કમલચંદ્ર ચંદન બહાદુર વિશ્વકર્મા, ઉં.વ. 44 રહે. ગાયત્રીનગર, ન્યુ રાણીપ અમદાવાદ
જિગ્નેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ, ઉં.વ. 42 રહે. રામોલ ટોલ પ્લાઝા, આરટીઓ રોડ, વસ્ત્રાલ ગામ
ચંદુભાઈ સોજીભાઈ કુંભાણી, ઉં.વ. 58 રહે. સાઉથ બોપલ અમદાવાદ
પ્રિયંકાબેન ચંદુભાઈ ખૂંટ, ઉં.વ. 25, રહે. શ્યામનગર સંત કબીર રોડ, રાજકોટ
વિશ્વાબેન બિપીનકુમાર રામાણી, ઉં.વ.16, સુરત
પ્રીત ઈશ્વરભાઈ ભાયાણી, ઉં.વ. 17 વર્ષ, શ્રીનિધિ રેસિડેન્સી, મોટા વરાછા, સુરત
મીત જયંતીલાલ કાછડિયા, ઉં.વ.17, સુરત