દારૂના કેસમાં તેં મારું કેમ લીધું છે કહી બે શખ્સે યુવકને પેટ-ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા

મકરપુરા વિસ્તારમાં યુવક પર થયેલા હુમલાનો વીડિયો પણ સામે આવ્યો

MailVadodara.com - Two-men-hit-the-youth-with-a-paddle-on-his-stomach-and-neck-saying-why-have-you-taken-mine-in-the-case-of-alcohol

- યુવકને બચાવવા ગયેલા લોકો પર પણ આરોપીઓએ હુમલો કર્યો!!

- યુવકને સ્થાનિક લોકોએ આરોપીથી બચાવી સારવારમાં ખસેડયો, પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ


વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં દારૂના કેસમાં તે મારું કેમ લીધું છે, તેમ કહીને બે યુવકે મળીને યુવકને પેટ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. આ ઘટનામાં યુવકના પેટમાંથી બન્ને સાઈડમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક પર થયેલા હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. મકરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને CCTVની મદદથી તપાસ શરૂ કરી છે.

મૂળ મધ્યપ્રદેશના અને વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ નારાયણ નગરમાં રહેતા શિવજીતસિંહ ચંદ્રપાલસિંહ રાજપૂત (ઉં.વ.31)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંઘાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી પત્નીની સારવાર સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે. હું ઘરેથી સયાજી હોસ્પિટલ જવા રવાના થયો હતો, ત્યારે રસ્તામાં મને ફોન પર માહિતી મળી હતી કે, મારા નાના ભાઈ હરિઓમને કોઈએ ચપ્પુના ઘા માર્યા છે. તેને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યો છે. જેથી હું તુરંત સયાજી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં મેં મારા ભાઈને ગળાના ભાગે, પેટના ભાગે જમણી અને ડાબી બાજુ તિક્ષણ ધારદાર હથિયાના ઘા મરેલા જોયા હતા. પેટની બંને બાજુથી આંતરડા બહાર નીકળી ગયા હતા.


અમે મારા ભાઈને તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાંથી તેને નવા સર્જીકલ વોર્ડના બીજા માળે ઓપરેશન થિયેટરમાં વધુ સારવાર માટે લઇ જવાયો હતો. મારા નાના ભાઈના શરીરના ઉપર થયેલા જીવલેણ ઘા બાબતે અમારી સોસાયટીના વિલાસ કુલકર્ણીને પૂછતા તેઓએ કહ્યું હતું કે, જતીન રાઠવા તથા તેનો મિત્ર પ્રવિણ ટુ વ્હીલર લઈને આવ્યા હતા અને જતીન રાઠવા તેના હાથમાં રહેલા ચપ્પુ જેવા ધારદાર હથિયાર વડે હરિઓમને ગળાના તથા પેટના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો.

હરિઓમ સોસાયટીની બહાર જતાં રસ્તા તરફ ભાગ્યો હતો અને જતિન રાઠવા પણ તેને મારવા પાછળ-પાછળ દોડ્યો હતો. હરિઓમ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તે ઘનશ્યામ ડેરીની આગળ પડી ગયો હતો, જેથી અમે અને અમારી આજુબાજુના લોકો બચાવવા ગયા હતા. જતીન રાઠવાની સાથે આવેલ પ્રવીણે બચાવનાર લોકો ઉપર કમર પર પહેરેલ પટ્ટા વડે હુમલો કર્યો હતો અને જતીન રાઠવા પણ બધાને ચપ્પુ બતાવતો હતો. હાલ હરિઓમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને મકરપુરા પોલીસે જતીન અને પ્રવીણ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


આ મામલે DCP ઝોન -3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા મકરપુરા પોલીસ દ્વારા દારૂનો એક કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી હરિઓમ હતો. જેમાં બીજા નામો પણ ખુલ્યા હતા, જે પૈકી એક આરોપીનું નામ જતીન હતુ. જેથી જતીન નશાની હાલતમાં આવ્યો હતો અને તે મારું નામ પોલીસને કેમ આપ્યું તેમ કહીને હરિઓમને ચપ્પુ મારી દીધુ હતું. આ ઉપરાંત આરોપી જતીનને પણ ઇજાઓ થઈ હોવાથી તેને પણ સયાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે CCTVની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments