- હોસ્પિટલમાં પહોંચેલા સગાએ દર્દીને કહ્યું, તને ભૂત વળગ્યું છે, મહિલા તબીબ-સ્ટાફને સારવાર ન કરવા કહેતા સારવાર ચાલુ રાખી હતી, ઉશ્કેરાયેલા દર્દીના સગા લાફા મારી ફરાર થઇ ગયો હતો
વડોદરા જિલ્લાના ડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુગર વધતા એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મહિલા તબીબ સહિત સ્ટાફે દર્દીની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હોસ્પિટલમાં આવી પહોંચેલા સગાએ દર્દીને કહ્યું, તને ભૂત વળગ્યું છે સાથે જ તબીબ તેમજ સ્ટાફને સારવાર ન કરવા જણાવ્યું હતું. પરંતુ, મહિલા તબીબે સ્ટાફની મદદથી સારવાર ચાલુ રાખતા ઉશ્કેરાયેલા દર્દીના સગાએ મહિલા તબીબ સહિત બે કર્મચારીઓને ચાર-પાંચ લાફા મારી ફરાર થઇ ગયો હતો. જોકે, આ ઘટનામાં દર્દીનું મોત નિપજ્યું હતું. આ ચકચારી ઘટના અંગેની ફરિયાદ ડેસર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે પ્રશાંતકુમાર પ્રેમાનંદપ્રસાદ વર્મા ડેસર સરકારી ક્વાર્ટરમાં રહે છે. ( મૂળ રહે. 9, શિવાય લક્ઝોરીયા, છાણી, વડોદરા) તેઓએ આ ઘટના અંગે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ વિગત એવી છે કે, 13, મેના રોજ દવાખાનામાં ડો. સંતોષબેન મુકેશભાઇ કોળી, સ્ટાફ બ્રધર્સ પારસકુમાર અરવિંદભાઇ પંડ્યા અને સફાઇ કર્મી શિલ્પાબેન પરમાર અને મમતાબેન પરમાર ફરજ પર હાજર હતા. દરમિયાન સવારે 5.15 કલાકે દર્દી રમેશભાઇ રતિલાલભાઇ રોહિતને (રહે. શિહોરા, ડેસર) ને લાવવામાં આવ્યા હતા. તેમનું સુગર ઓછું હોવાથી 108 મારફતે તેમને લવાયા હતા.
અર્ધબેભાન અવસ્થામાં દવાખાનામાં લાવવામાં આવેલા દર્દીની સારવાર શરૂ કરવામાં આવી હતી, અને બોટલ ચઢાવવામાં આવ્યા હતા. બાદમાં બ્લડ શુગર તપાસતા યોગ્ય જણાઇ આવ્યું હતું. સાંજ સુધીમાં તેઓ સ્વસ્થ થઇ ગયા હતા. દરમિયાન તેમના સગા જીતુભાઇ નારણભાઇ રોહિત દવાખાને આવ્યા હતા અને સારવાર લઇ રહેલા રમેશભાઇને કહ્યું કે, તારા શરીરમાં ભૂત પેંસી ગયું છે, તારા શરીરમાંથી ભૂત કઢાવવાની જરૂર છે આવો ઠપકો આપી બંને અંદરોઅંદર ઝઘડવા લાગ્યા હતા.
આ ઝઘડા દરમિયાન એકાએક દર્દી રમેશભાઇની તબિયત બગડતા તેમને મહિલા તબીબ ડો. સંતોષબેન કોળીએ સીપીઆર અને ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરી હતી. એક તરફ તબીબ દર્દીને સારવાર આપી રહ્યા હતા ત્યારે જીતુભાઇ રોહિતે સ્ટાફ બ્રધર્સ પારસકુમાર પંડ્યા, ડો. સંતોષબેન કોળીને દર્દીની સારવાર કરશો નહીં તેમ જણાવી મહિલા તબીબ અને સ્ટાફ કર્મચારીને ચાર-પાંચ લાફા મારી દીધા હતા. મહિલા તબીબ સંતોષબેન કોળી અને સ્ટાફના પારસભાઇ ઉપર હુમલો કર્યા બાદ ધમકી આપી કે આ દર્દીની સારવાર કરવાની નહીં, જો કરશો તો જાનથી મારી નાંખીશ. તેવી ધમકી આપી રવાના થઇ ગયો હતો.
જોકે, હુમલા પછી પણ મહિલા તબીબ અને સ્ટાફે દર્દીની સારવાર ચાલુ રાખી હતી. પરંતુ દર્દી રમેશભાઇ રોહિતનો જીવ બચી શક્યો ન હતો અને મોતને ભેટ્યો હતો. હોસ્પિટલ દ્વારા મૃતકના પરિવારજનોની મરજીથી તેઓને અંતિમવિધી માટે મૃતદેહ સોંપી દીધો હતો.
દરમિયાન આ બનાવ અંગેની ફરિયાદ ડેસર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે હુમલાખોર જીતુ રોહિત સામે મહિલા તબીબ સહિત બે કર્મચારીઓ ઉપર હુમલો અને સરકારી કામગીરીમા દખલગીરીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.