ડેસરના સાંઢાસાલ ગામે 20 વર્ષીય યુવકની હત્યા કરનાર એક સગીર સહિત બે આરોપીની ધરપકડ

પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી પેટ્રોલ છાંટી સળગાવી આરોપીઓ ફરાર થઇ ગયા હતા

MailVadodara.com - Two-accused-including-a-minor-arrested-for-murdering-a-20-year-old-youth-in-Sandhasal-village-of-Desar

- ઝડપાયેલા આરોપીઓએ પોલીસને કહ્યું, અમે જૈમીનની હત્યા કરીને કોઈ પાપ કર્યું નથી

- ખાનગી કંપનીમાં નોકરી કરતા જૈમીન ગોહિલની ગામના ચિરાગ પરમાર અને એક સગીરે મળીને હત્યા કરી હતી, હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી લાશને સળગાવી ફરાર થઇ ગયા હતા

- સાહેબ.. જૈમિન અમારી બહેનોની જિંદગી બગાડી રહ્યો હતો, અનેક વખત સમજાવ્યો પરંતુ, તે માનતો ન હતો, અમે તેને મારી નાખ્યો ન હોત તો અનેક છોકરીઓની જિંદગી બગાડી નાખત


વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે 20 વર્ષીય યુવાનની ગામના જ એક સગીર સહિત બે લોકોએ મળી હત્યા કરી લાશનો સળગાવી નાખી હતી. આ મામલે ઝડપાયેલા આરોપીઓને હત્યા બાદ પણ કોઈ અફસોસ ન હોય તે રીતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, અમે જૈમીનની હત્યા કરીને કોઈ પાપ કર્યું નથી. પોતાની બહેનની જિંદગી બગાડી રહ્યો હોવાના કારણે હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી હતી.

સાંઢાસાલ ગામમા રહેતા અને ITIનો અભ્યાસ કર્યા બાદ ખાનગી કંપનીમાં નોકરી કરી રહેલા જૈમીન કિરણસિંહ ગોહિલ (ઉ.વ. 20, રહે. ટેકરા વાળુ ફળિયુ,)ની ગામના ચિરાગ જગદીશભાઇ પરમાર (રહે. સાંઢસાલ નદીવાળું ફળીયું તાલુકો ડેસર જીલ્લો વડોદરા) અને એક સગીરે મળીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી લાશને સળગાવી ફરાર થઇ ગયા હતા. પોલીસ સૂત્રોમાથી મળેલી માહિતી પ્રમાણે મૃતક જૈમિન ગોહિલ અને મોતને ઘાટ ઉતારનાર ચિરાગ પરમાર તેમજ એક સગીર ત્રણેય મિત્રો હતા. જૈમિનને ચિરાગ પરમારની બહેન સાથે પ્રેમસંબંધ હોય તેનો ખાર રાખી હત્યા નિપજાવી હતી.

જૈમીનને ચિરાગ અને તેની સાથે રહેલા અન્ય સગીર આરોપીની બહેન સાથે સંબંધ હોય બંનેએ મળી જૈમીનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જોગાનુજોગ ગામમાં લગ્ન પ્રસંગ હોઇ, તે રાતનો લાભ લઇ બંનેએ જૈમીનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પહેલાં જૈમીનના માથામાં લાકડીનો ફટકો માર્યો હતો. લાકડીનો ફટકો માર્યા બાદ જૈમીન જીવતો હોઇ, બંનેએ પૂર્વ આયોજન પ્રમાણે બોટલમાં સાથે લાવવામાં આવેલ પેટ્રોલ છાંટી સળગાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. સવારે આ બનાવની જાણ પરિવારજનો અને ડેસર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે સ્થાનિક ડેસર પોલીસની મદદ લઇ ગણતરીના કલાકોમાં જૈમીન ગોહિલની હત્યા કરનાર ચિરાગ પરમાર અને તેની સાથે રહેલા સગીરની ધરપકડ કરી હત્યાનો પર્દાફાશ કર્યો હતો.


જૈમીન ગોહિલની હત્યા કરનાર ચિરાગ પરમાર અને તેની સાથેના સગીરા આરોપીને પોલીસ અધિકારીએ હત્યાનું કારણ પૂછતાં તેમણે તમામ હકીકત જણાવતાં જણાવ્યું હતું કે, સાહેબ.. જૈમિન અમારી બહેનોની જિંદગી બગાડી રહ્યો હતો. અમે તેણે અનેક વખત સમજાવ્યો હતો. પરંતુ, તે માનતો ન હતો. જો અમે તેને મારી નાખ્યો ન હોત તો અનેક છોકરીઓની જિંદગી બગાડી નાખત. અમે જૈમીનની હત્યા કરીને કોઇ પાપ કર્યું નથી.

બનાવની મળતી વિગત મુજબ, વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંઢાસાલ ગામમાં રહેતા કિરણસિંહ છત્રસિંહ ગોહિલ પોતાના પરિવાર સાથે રહી ખેતી કરી તેઓનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે પુત્રો પૈકી નાનો જૈમીન કિરણસિંહ ગોહિલ (ઉ.વ. 20, રહે. ટેકરાવાળુ ફળિયુ) હતો. જૈમીને આઈ.ટી.આઈ સુધી અભ્યાસ કરી નોકરી કરતો હતો. શુક્રવારે રાત્રે બાજુના ફળિયામાં લગ્ન પ્રસંગ હોય મિત્રો સાથે રસોડા પર જાવ છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો જે રાત્રે ઘરે પરત ફર્યા ન હતો. મોડી રાત સુધી જૈમીન ઘરે ન આવતાં તેના મોટાભાઇએ રાત્રે 10-30 વાગ્યાના અરસામાં ફોન કર્યો હતો પરંતુ, ફોન સ્વીચ ઓફ આવતો હતો. પરિવારજનોએ એવું અનુમાન લગાવ્યું કે, ગામમાં જગદીશભાઈ શંકરભાઈ પરમારને ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યાં જ હશે.


આ દરમિયાન વહેલી સવારે સાંઢાસાલથી મેવલી જવાના માર્ગ પર સ્મશાન જવાના રસ્તે આવેલ બળીયાદેવના મંદિરના બાંકડા ઉપર કોઈ ગ્રામજને અર્ધ બળેલી હાલતમાં યુવકનો મૃતદેહ જોયો હતો. જેને તુરંત જ ગામના સરપંચને આ વાતની જાણ કરી હતી. સરપંચે તુરંત ડેસર પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તે ગામ લોકો પણ એકઠા થઇ ગયા હતા. બીજી બાજુ વહેલી સવાર સુધી ઘરે પરત ન ફરેલા જૈમીનથી ચિંતિત પિતા અને ભાઇ સહિત પરિવારજનો પણ બળિયાદેવ મંદિર ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પિતા અને ભાઇએ જૈમીનની બળેલી લાશ જોતાં સ્તબ્ધ થઇ ગયા હતા અને સ્થળ ઉપર રોકકળ શરૂ કરી દીધી હતી. પરિવારજનોના હૈયાફાટ રુદને ટોળે વળેલા લોકોને પણ હચમચાવી નાખ્યા હતા.

આ દરમિયાન સ્થળ ઉપર આવેલી ડેસર પોલીસે મૃતક જૈમીનના મૃતદેહને તપાસતા જેના માથાના પાછળના ભાગે અને પેટમાં ભાગે કોઈ હથિયાર વડે ઘા મારેલા હતા અને તેના આંતરડા પણ બહાર આવી ગયા હતા. હત્યારાઓ આટલેથી ન અટકતા જૈમીન ગોહિલની લાશને પેટ્રોલ શરીર પર છાંટીને સળગાવી દીધો હતો અને હત્યારા ઘટનાને અંજામ આપી ત્યાંથી ભાગી છુટ્યા હતા.

આ ઘટનાની જાણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને થતાં પીઆઇ કૃણાલ પટેલ સ્ટાફ સાથે દોડી ગયા હતા. ડેસર પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક જૈમીન રાત્રે 9થી 10 વાગ્યા સુધી તે ગામમાં જ હતો અને તે ગામની જ યુવતીના પ્રેમમાં હતો. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જ જવાબદાર હોવાની પોલીસને ઠોસ માહિતી મળતાં આ હત્યામાં સંડોવાયેલા બે આરોપીની સધન પૂછપરછ કરતા આખરે આરોપીઓએ કબુલાત કરી હતી અને આ હત્યાનો ભેદ પણ ઉકેલાયો હતો.

Share :

Leave a Comments