- ડ્રાઇવર સમય સૂચકતા વાપરીને કૂદી જતાં આબાદ બચાવ, માથામાં સામાન્ય ઇજા પહોંચી
વડોદરા જિલ્લાના સાવલી- મુવાલ રોડ પર લોખંડની એંગલો ભરેલી ટ્રક પલ્ટી મારી ગઇ હતી. આ ઘટનામાં ડ્રાઇવર સમય સૂચકતા વાપરીને કૂદી જતાં આબાદ બચાવ થયો હતો. જોકે, તેણે માથામાં સામાન્ય ઇજા પહોંચી હતી. ટ્રકમાં ઓવરલોડ સામાન ભરેલો હોવાનું જાણવા મળ્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે, કાલોલથી લોખંડની ભારે એંગલો ભરીને મહીસાગર જિલ્લાનાં કપડવંજ ખાતે ખાલી કરવા જતી ટ્રક મુવાલ પાસે પલટી મારી ગઇ હતી. ઓવર લોડિંગનાં કારણે મુવાલ ફાટક પાસે વળાંકમાં ટ્રકચાલક રાજવિર સિંઘે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ઝાડ સાથે ભટકાયા બાદ પલટી મારી ગઇ હતી. જોકે, ટ્રક પલટી મારે તે પહેલાં ચાલક કૂદી પડતા આબાદ બચાવ થયો હતો. જોકે, તેણે માથામાં સામાન્ય ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવને પગલે લોકો એકઠાં થઇ ગયા હતા. તે સાથે આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.