- ઈદને લઈ શહેર પોલીસના તમામ ડીસીપી, એસીપી, PI સહિત 2000થી વધુ સ્ટાફ, ત્રણ કંપની SRPF અને 700થી વધારે હોમગાર્ડના સભ્યો આ બંદોબસ્તમાં જોડાયા
વડોદરામાં આજે ઇદની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શહેરમાં ઠેર-ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા સામૂહિક નમાજ અદા કરવામાં આવી રહી છે. છેલ્લા એક માસથી આકરા રોજા રાખ્યા બાદ આજે શહેરના મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઈદગાહ મેદાન ખાતે પરંપરા મુજબ સામૂહિક નમાજ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને કોર્પોરેશનના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
છેલ્લા એક માસથી મુસ્લિમ બિરાદારો દ્વારા પવિત્ર રમજાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોજા રાખવામાં આવ્યા હતા. રમજાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકોએ પણ એકથી વધુ આકરા રોજા રાખીને ઈબાદત કરી હતી. છેલ્લા એક માસથી ચાલી રહેલા પવિત્ર રમજાન માસના અંતિમ દિવસે એટલે કે મોડી રાતથી ઈદની ઉજવણી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારમાં શરૂ થઈ ગઈ હતી. આ તહેવારને લઈ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
આજના દિવસે મુસ્લિમ બિરાદારો રમજાન ઈદથી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, ત્યારે મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. રમજાન ઈદની ઉજવણીને લઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં મોડી રાતે ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોને શણગારી દેવામાં આવી હતી. આજે રમઝાન ઈદથી શરૂ થતા નવા વર્ષને પગલે પરંપરા મુજબ ઈદગાહ મેદાન ખાતે સામુહિક નમાજ અદા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દેશમાં શાંતિ સ્થપાઈ રહે તેવી દુઆ કરી હતી.
વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં સામૂહિક ઈદ મુબારકબાદી શુભેચ્છા પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુસ્લિમ વિસ્તારમાં ડીજે સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. તો કેટલાક વિસ્તારોમાં ઈદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અપાર ઉત્સાહ સાથે રમજાન ઈદની ભવ્ય ઉજવણી વડોદરામાં કરવામાં આવી. ઈદના તહેવારને લઈ વડોદરા પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે. શહેર પોલીસના તમામ ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર સહિત 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, ત્રણ કંપની SRPF અને 700થી વધારે હોમગાર્ડના સભ્યો આ બંદોબસ્તમાં જોડાયા છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ડ્રોન દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. તો આ બંદોબસ્તમાં ફરજ બજાવતાં કર્મચારીઓ જવાનો પાસે બોડિવોર્ન કેમેરા દ્વારા સજ્જ છે.