- કોર્પોરેશન હસ્તકના લાલબાગ સ્થિત ઢોર ડબામાં 300 ગાયો, ખાસવાડી ઢોર ડબામાં 100 જેટલી ગાયો અને ખટંબા સ્થિત ઢોર ડબામાં હાલ 400 જેટલી ગાયો અને ગૌવંશ છે
- ખટંબામાં ઢોર ડબાની બાજુમાં બનાવેલા કૂતરાઓ માટેના શેડમાં 70 જેટલા કુતરાઓ રહે છે
આકાશમાંથી વરસી રહેલા અગનગોળાથી લોકો આકૂળ વ્યાકુળ બની ગયા છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા પાલિકા હસ્તકના ઢોર ડબામાં પૂરવામાં આવતી રસ્તે રઝડતી ગાયો અને ગૌવંશ તેમજ રસ્તા ઉપર રખડતા પકડવામાં આવતા કુતરાઓને રાખવામાં આવતા શેડમાં ફોગર સિસ્ટમ ( ફૂવારા સિસ્ટમ) તેમજ ગ્રીન નેટ લગાવી મૂંગા પશુઓને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વડોદરા કોર્પોરેશનના અધિકારી ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન હસ્તક વડોદરામાં લાલબાગ અને ખાસવાડી સ્મશાન પાસે અને એક વડોદરા નજીક ખટંબા ગામે ઢોર ડબ્બા આવેલા છે તેમજ ખટંબા ખાતે આવેલા ઢોર ડબ્બાની બાજુમાં જ કૂતરા રાખવા માટે શેડ બનાવવામાં આવેલો છે.
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીના કારણે વડોદરા કોર્પોરેશન દ્વારા આ વર્ષે પ્રથમ વખત ઢોર ડબામાં તેમજ કુતરાઓને રાખવામાં આવતા શેડમાં ફોગર સિસ્ટમ ( ફુવારા સિસ્ટમ) લગાવવામાં આવી છે. આ ઉપરાંત ઢોર ડબ્બાઓમાં અને કુતરાઓ રાખવામાં આવતા શેડમાં ગ્રીન નેટ બાંધવામાં આવી છે. જેથી કરીને મૂંગા પશુઓને અસહ્ય ગરમીમાં રાહત મળી શકે.
ડો. વિજય પંચાલે વધુમાં જણાવ્યું હતું કે, ઢોર ડબ્બામાં રાખવામાં આવતી ગાયો માટે દાતાઓ તરફથી મળતા તડબૂચ જેવા ફ્રૂટ પણ આપવામાં આવે છે. જો દાતાઓ ન મળે તો કોર્પોરેશન દ્વારા તડબૂચ જેવા ફ્રુટની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત ગાયો તેમજ ગૌવંશ માટે ઇલેક્ટ્રો પાઉડર પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે. તે જ રીતે કૂતરાઓને રાખવા માટે બનાવવામાં આવેલા શેડમાં કુતરાઓને પણ ગરમીથી રક્ષણ મળે તે માટે ફુવારા લગાવવામાં આવ્યા છે તેમજ ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે. સાથોસાથ કુતરાઓને પણ ગરમી સામે રક્ષણ મળી રહે અને રાહત મળી રહે તે માટેના ખોરાકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન હસ્તકના લાલબાગ ખાતે આવેલા ઢોર ડબામાં 300 ગાયો, ખાસવાડી ખાતે આવેલા ઢોર ડબામાં 100 જેટલી ગાયો અને ખટંબા ખાતે આવેલા ઢોર ડબામાં હાલ 400 જેટલી ગાયો અને ગૌવંશ છે. જ્યારે ખટંબા ખાતે આવેલા ઢોર ડબાની બાજુમાં બનાવવામાં આવેલા કૂતરાઓ માટેના શેડમાં 70 જેટલા કુતરાઓ છે.
કોર્પોરેશનના અધિકારી ડો. વિજય શાહે વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશનના ઢોર ડબ્બામાં રાખવામાં આવતી ગાયો વડોદરા શહેરના માર્ગો પરથી પકડવામાં આવેલી ગાયો છે. તે જ રીતે શહેરમાં રખડતા પકડવામાં આવેલા કુતરાઓ પાલિકા હસ્તકના કૂતરાઓ માટે બનાવવામાં આવેલા શેડમાં રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી અસહ્ય ગરમીના કારણે પાલિકા દ્વારા આ વર્ષથી ઢોર ડબાઓમાં અને કુતરાઓને રાખવામાં આવતા શેડમાં ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે. રૂપિયા 30 હજારના ખર્ચે કરવામાં આવેલી આ ફુવારાની વ્યવસ્થાથી સરેરાશ 4થી 5 ડિગ્રી તાપમાન ઓછું થઈ જાય છે. આ ફુવારા 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. જેથી કરીને મૂંગા પશુઓનું આ અસહ્ય ગરમીમાં આરોગ્ય જળવાઈ રહે. સદનસીબે અત્યાર સુધી ગરમીના કારણે મૂંગા પશુઓનું આરોગ્ય બગડ્યું નથી.