વડોદરા શહેરમાં ગેંડીગેટ દરવાજા પાસે આજે સવારે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીની રેલમછેલ બાદ આ મામલે જાગૃત નાગરિકો દ્વારા કોર્પોરેશનના તંત્રને ફરિયાદ કરવામાં આવતા અહીં દોડી આવેલા અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે લિકેજ પુરવાની કામગીરી કરવી પડી હતી.
વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ગેંડીગેટ દરવાજા પાસે ખાનગી કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના કામગીરી દરમિયાન પાણીની નલિકામાં લીકેજ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો. પાણીની રેલમછેલ બાદ આ મામલે જાગૃત નાગરિકો દ્વારા કોર્પોરેશન તંત્રને ફરિયાદ કરવામાં આવતા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે જે જવાબદાર લોકોની બેજવાબદારીના કારણે આ પાણીની લાઈનમાં લીકેજ થયું તેમના સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.