વાઘોડિયા રોડ પર બંધ મકાનમાંથી 1.67 લાખના દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર

પરિવારજનો રાત્રે ગરમીના કારણે ઘરને તાળું મારી સામેના ધાબે સૂવા ગયા ત્યારે તસ્કરો ત્રાટક્યા

MailVadodara.com - Thieves-flee-after-stealing-jewelry-and-cash-worth-1-67-lakh-from-a-locked-house-on-Waghodia-Road

- તસ્કરોએ લોખંડની તિજોરી તેમજ લાકડાના પેટી પલંગના લોક તોડી 70,000ની સોનાની પેન્ડલવાળી ચેઇન, 30,000નો સોનાનો હાર, સોનાની વીંટી, ઝૂમર તેમજ ચાંદીની પાયલ, લક્કી, કમરનો આંકડો અને 30,000ની રોકડ રકમ સહિત કિંમતી ઘરેણાંની ચોરી કરી લીધી

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા જલારામનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળું-નકૂચો તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ 1,67,500ના મુદ્દામાલની ચોરી કરી છે. પરિવારજનો રાત્રે ગરમીના કારણે ઘરને તાળું મારી સામેના ધાબે સૂવા ગયા હતા, તે સમય દરમિયાન જ તસ્કરો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.

જલારામનગરમાં બે સંતાનો સાથે રહેતા મીનાબેન સંજયભાઈ આહીરના પતિ કર્ણાટક ખાતે ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરે છે. ગત રાત્રે આશરે 12 વાગ્યે મીનાબેન પોતાના બાળકો સાથે મુખ્ય દરવાજાને તાળું મારી સામેના મકાનના ધાબે સૂવા ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યે પરત આવતાં ઘરનો નકૂચો તૂટેલો અને અંદરની લાઈટો ચાલુ હાલતમાં જોવા મળી હતી.

ઘરની અંદર જઈ તપાસ કરતાં બેઠક રૂમમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તસ્કરોએ લોખંડની તિજોરી તેમજ લાકડાના પેટી પલંગના લોક તોડી તેમાંથી 70,000ની સોનાની પેન્ડલવાળી ચેઇન, 30,000નો સોનાનો હાર, સોનાની વીંટી, ઝૂમર તેમજ ચાંદીની પાયલ, લક્કી, કમરનો આંકડો અને 30,000ની રોકડ રકમ સહિત કિંમતી ઘરેણાંની ચોરી કરી લીધી હતી.

પતિ બહારગામથી પરત આવ્યા બાદ મીનાબેને અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાનૂની તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments