7000 ખાડા પૂર્યા છતાં શહેરના માર્ગો ઉબડખાબડ, કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે જવાબદારીનો સવાલ

કરોડોના પેચવર્કની ટકાઉપણા સામે પ્રશ્નો, એક જ સ્થળે વારંવાર પેચવર્ક કરવાની સ્થિતિ સર્જાઈ

MailVadodara.com - Despite-7000-potholes-being-filled-city-roads-remain-bumpy-questions-raised-regarding-contractor-accountability

- રૂ.4 કરોડથી વધુ ખર્ચ છતાં વડોદરાના રસ્તાઓ પર ખાડા યથાવત!, માંડવી-પાણીગેટથી ગોરવા સુધી તેમજ ભાયલી-બિલ સહિત વિસ્તારોમાં પણ ખાડા જોવા મળ્યા

વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર સર્જાયેલા ખાડા પૂરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને અંદાજે 7000 જેટલા ખાડા પૂરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ શહેરના અનેક મુખ્ય માર્ગો સહિત આંતરિક રસ્તાઓ પર ખાડાની સમસ્યા યથાવત રહેતા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

4 કરોડના ખર્ચે 7000 ખાડા પૂર્યા છતાં રસ્તાઓ પર ખાડા યથાવત્ : પેચવર્કની ગુણવત્તા સામે સવાલો

માંડવી-પાણીગેટ રોડ, ગાજરાવાડી-વાઘોડિયા લિંક રોડ, સોમા તળાવ-પ્રતાપનગર લિંક રોડ ઉપરાંત ભાયલી, બિલ, ગોરવા, ગોત્રી, જેતલપુર, હરણી, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ પર સંખ્યાબંધ ખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

મુખ્ય માર્ગોની સ્થિતિ આટલી કથળેલી હોય ત્યારે શહેરના અનેક આંતરિક રસ્તાઓ પણ ઉબડખાબડ બની ગયા છે. ક્યાંક મોટા ખાડા પડી ગયા છે તો ક્યાંક અગાઉ કરવામાં આવેલા પેચવર્કના સ્થળે જ રસ્તો ફરી તૂટી ગયો છે. પરિણામે જે રસ્તા પર થોડા સમય પહેલાં ખાડા પૂરવામાં આવ્યા હતા ત્યાં ફરીથી પેચવર્ક કરવાની સ્થિતિ સર્જાઈ રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડા પૂરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં જો થોડા જ સમયમાં રસ્તા ફરી તૂટી જાય તો પેચવર્કની ગુણવત્તા અને કામગીરીની ટકાઉપણા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. શહેરીજનોમાં પણ એવો સવાલ ઉઠી રહ્યો છે કે જો રસ્તા વારંવાર તૂટવાના જ હોય તો ખાડા પૂરવા પાછળ કરવામાં આવતો ખર્ચ કેટલો અસરકારક છે?

જાગૃત નાગરિકોના આક્ષેપ મુજબ વારંવાર ખાડા પૂરવા અને પેચવર્ક કરવાની કામગીરીના કારણે પાલિકાના નાણાં અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે. એક જ સ્થળે વારંવાર કામગીરી કરવાની જગ્યાએ રસ્તા કેમ તૂટી રહ્યા છે તેની તપાસ કરી જવાબદારી નક્કી કરવાની જરૂર છે. જોકે, આવી સ્થિતિમાં સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. શહેરીજનોની માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર ખાડા પૂરવાની સંખ્યા બતાવવાને બદલે કરવામાં આવેલા પેચવર્કની ગુણવત્તા, તેની ટકાઉપણા અને કોન્ટ્રાક્ટરની જવાબદારી અંગે પણ સ્પષ્ટતા કરે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં જો રસ્તાઓ પર ખાડારાજ યથાવત રહેતું હોય તો આખરે આ કામગીરીનો લાભ કોને મળી રહ્યો છે તેવો સવાલ પણ હવે ચર્ચાઈ રહ્યો છે. 

Share :

Leave a Comments