વડોદરામાં વોર્ડ-7માં મચ્છીપીઠથી સલાટવાડા સુધી દબાણ હટાવાયા, 3 ટ્રક સામાન અને 12 વાહનો જપ્ત

જાહેર રસ્તા અને પાર્કિંગમાં અડચણરૂપ દબાણો સામે પાલિકાની કાર્યવાહી

MailVadodara.com - Encroachments-removed-from-Machhipith-to-Salatwada-in-Vadodaras-Ward-7-3-truckloads-of-goods-and-12-vehicles-seized

- કેબિન-લારીગલ્લા સહિતનો સામાન જપ્ત, અક્ષરદ્વાર કોમ્પ્લેક્સમાંથી 12 વાહનો કબજે, 10 ટુ-વ્હીલર પણ જપ્ત કરાયા, અગાઉ નોટિસ છતાં પાર્કિંગનો ઉપયોગ થતો હતો

વડોદરા શહેરમાં જાહેર રસ્તા અને પાર્કિંગની જગ્યામાં થતા ગેરકાયદે દબાણો સામે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર-7માં મચ્છીપીઠ ચાર રસ્તાથી સલાટવાડા રોડ સુધી રસ્તાની બંને બાજુ કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

મચ્છીપીઠથી સલાટવાડા સુધીના દબાણો દૂર કરાયા

કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને હાથ ધરાયેલી કામગીરીમાં વોર્ડ ઓફિસર, એએમસીના અધિકારી તેમજ વોર્ડ-7નો સ્ટાફ જોડાયો હતો. કાર્યવાહી દરમિયાન કેબિન, લારી-ગલ્લા સહિતનો સામાન જપ્ત કરીને ત્રણ ટ્રક ભરી સામાન કબજે લેવામાં આવ્યો હતો. ઉપરાંત, બે ફૂડ ટેમ્પો અને રસ્તા પર અડચણરૂપ રીતે પાર્ક કરાયેલા 10 ટુ-વ્હીલર વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

બીજી તરફ, વોર્ડ નંબર-12માં અટલાદરા સ્થિત અક્ષરદ્વાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દુકાનદારો દ્વારા ટુ-વ્હીલર સહિતના વાહનો મૂકીને ખરીદ-વેચાણની ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની ફરિયાદના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિ રોકવા અગાઉ દુકાનદારોને સૂચના આપવામાં આવી હતી તેમજ ટીડીઓ વિભાગ દ્વારા કોમ્પ્લેક્સના પ્રમુખને નોટિસ પણ આપવામાં આવી હતી.

ટીડીઓ અને વોર્ડ નંબર-12ના ઓફિસરને સાથે રાખીને હાથ ધરાયેલી કાર્યવાહીમાં પાર્કિંગની જગ્યામાં અડચણરૂપ રીતે રાખવામાં આવેલા 12 વાહનો કબજે લેવામાં આવ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા જાહેર માર્ગો અને પાર્કિંગની જગ્યામાં અડચણરૂપ દબાણો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે.

Share :

Leave a Comments