- દર વર્ષે શિયાળામાં પાઇપ લાઈન ગેસનું પ્રેશર ઓછું થઈ જાય છે, જેના કારણે સવારે ટિફિન બનાવી શકાતું નથી
- પાઇપ લાઇનથી મળતો રાંધણ ગેસ સિલિન્ડર કરતાં મોંધો પડતો હોવાનો દાવો
વિશ્વામિત્રી બચાવો સમિતિએ પાઇપ લાઇનથી મળતાં રાંધણ ગેસના પ્રેશર અને ભાવ સામે ગૃહિણીઓની તકલીફો અંગે અવાજ ઉઠાવ્યો છે.
વિશ્વામિત્રી બચાવ સમિતિના વડોદરા ના પ્રમુખ કિશોર શર્મા જણાવે છે કે વડોદરા શહેર ના મોટા ભાગના વિસ્તારો માં નગરજનો ના ઘરે પાઈપ લાઈન દ્વારા રાંધણ ગેસ સુવિધા આપવામાં આવેલ છે. ભારતમાં સૌથી પ્રથમ વડોદરા શહેરના નાગરીકો ને પાઈપ લાઈન થી રાંધવા માટે નેચરલ ગેસ આપવાની શરૂઆત અંદાજે ૫૦ વર્ષ પહેલા વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા શરુ કરાયેલી હતી. વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ઉભી કરાયેલી પાઈપ લાઈન નેચરલ ગેસ ની સુવિધા થોડાક વર્ષો પહેલા વેચી દેવાઈ અને વડોદરા ગેસ લીમીટેડ કંપની ને આપી દેવામાં આવી છે.
ભૂતકાળ માં વર્ષોવર્ષ કોઈ ફરિયાદ વગર પુરા પ્રેસર થી પાઈપ લાઈન દ્વારા નેચરલ ગેસ દરેક ના ઘરે અપાતો હતો પરંતુ આજકાલ વડોદરા શહેર ના ઘણા વિસ્તારો માં વહેલી સવારે ગેસ નું પ્રેસર એકદમ નહીવત હોવાથી લોકો ને ખુબ અગવડ પડે છે. શિયાળા માં વહેલી સવારે બાળકો શાળા એ જવા તૈયાર થતા હોય છે, ત્યારે ચાહ-દૂધ અને નાસ્તા તેમજ ન્હાવા માટે પાણી ગરમ જોઈએ તે અત્યંત નહીવત પ્રેસર થી પાઈપ લાઈન ગેસ આવતો હોવાથી બાળકો ને શાળા માં જવામાં મોડું થાય છે. આ સાથે દરેક ઘરેથી નોકરી, ધંધો કે રોજગારી માટે નીકળતા તમામ લોકો માટે ગૃહિણીઓ જમવાનું બનાવી ટીફીન ભરી ને આપતા હોય છે તે પણ નહીવત ગેસ પ્રેસર ને કારણે સમયસર નોકરી, ધંધે કે રોજગાર માટે નીકળવું મુશ્કેલ બની ગયું છે. કેટલાક લોકો ને વહેલી સવારે બહારગામ નોકરી હોવાથી અપડાઉન કરતા હોય છે એવાઓ ની નહીવત ગેસ પ્રેસર ને કારણે વહેલા નહાવાનું, ચાહ-નાસ્તો અને ટીફીન પણ તૈયાર નહિ થઇ શકતા ટ્રેન અને બસ પણ છૂટી જતા હોવાની ફરિયાદ છે. હાલ રાત્રે ૧૨ કલાક થી સવારે ૫ કલાક સુધી તો બિલકુલ નહીવત ગેસ નું પ્રેસર હોય છે અને બાદ માં પણ ધીમું પ્રેસર આવતું હોવાથી સમયસર નાહી ને ચા-નાસ્તો અને સાથે લઇ જવાનું ટીફીન પણ તૈયાર થઇ શકતું નથી.
આમ તો જ્યારેથી વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશને ગેસ પ્રોજેક્ટ ને ખાનગી કંપની ને વેચી કાઢ્યું છે ત્યારે થી ખાનગી કંપની એ ગેસ ના ભાવો ખુબ વધારી દીધેલા છે જે સબસીડી સાથે મળતા ગેસ સિલિન્ડર કરતા પણ મોઘા પડે છે અને પ્રેસર થી અપાતા ગેસની સુવિધા ઓછી થતી જાય છે. પાઈપ લાઈન ગેસ ના ઊંચા ભાવો વસુલાતા હોવા છતાય યોગ્ય પ્રેસરથી ગેસ અપાતો નથી. વર્ષો જૂની પાઈપલાઈન માં ભંગાણ થતું હોવાના રોજેરોજ સમાચારો આવતા હોય છે ત્યારે વડોદરા શહેર માં જ્યાં પણ જૂની ગેસ ની પાઈપો થઇ ગયેલી છે ત્યાં બદલી ને નવી નાખવામાં આવે અને તમામ ને પૂરતા પ્રેસર થી ગેસ મળી રહે તે માટે યોગ્ય જગ્યા નક્કી કરી ને બુસ્ટર લગાવવામાં આવે તેવી અમારી માંગ છે.