કપુરાઇ તળાવનું ખરાબ કામ કરનાર ઇજારદારને ભાયલી તળાવના બ્યુટિફિકેશનનું કામ સોંપવા પાલિકાનો કારસો?

ભાયલી ગામના તળાવના બ્યુટિફિકેશન માટે કોર્પોરેશન દ્વારા અગાઉ 5 પ્રયત્ન કરાયા હતા

MailVadodara.com - The-purpose-of-the-municipality-to-entrust-the-work-of-beautification-of-Bhayli-lake-to-the-lessee-who-did-bad-work-of-Kapurai-lake

- છઠ્ઠા વખતના પ્રયત્નોમાં ફક્ત એક જ અગ્રવાલ કંસ્ટ્રકશન ઇજારદારે ટેન્ડર ભર્યું છે અને તે સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવતા ચર્ચાનો વિષય બન્યો

શહેરના ભાયલી ગામના તળાવના બ્યુટિફિકેશન માટે કોર્પોરેશન દ્વારા અગાઉ પાંચ વખત પ્રયત્ન કરવામાં આવ્યા છે. પરંતુ કોઇ ઇજારદાર કામ કરવા તૈયાર ન થતાં પાલિકા દ્વારા કપુરાઇ તળાવનું ખરાબ કામ કરનાર ઇજારદાર પાસે અંદાજ કરતાં વધુ રૂપિયા 1.87 કરોડ વધુ ચૂકવી રૂપિયા 6.77 કરોડ ચૂકવી ભાયલી ગામના તળાવનું બ્યુટિફિકેશન કરાવવાનો કારસો ઘડી કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આજે સાંજે મળનારી સ્થાયી સમિતીમાં આ કામને લઇને વિવાદ થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

મળેલી માહિતી પ્રમાણે, કોર્પોરેશન દ્વારા વર્ષ મે, 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન ભાયેલી તળાવના બ્યુટિફિકેશન માટે પાંચ વખત જાહેરાત આપી પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ કોઇ ઇજારદાર દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું ન હતું. આખરે છઠ્ઠા વખતના પ્રયત્નોમાં ફક્ત એક જ અગ્રવાલ કંસ્ટ્રકશન ઇજારદારે ટેન્ડર ભર્યું છે અને તે સ્થાયીમા મંજૂરી માટે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકા દ્વારા પણ ભાયલી ગામના તળાવના બ્યુટિફિકેશનનુ કામ અગ્રવાલ કંસ્ટ્રકશન કંપનીને આપવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે, આજે સાંજે મળનાર સ્થાયી સમિતીની બેઠકમાં અગાઉ ઇ-ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનો અને કમાટીબાગમાં ફૂટ બ્રિજનો વિરોધ કરનાર સ્થાયી સભ્યો ભાયલી ગામના તળાવના બ્યુટિફિકેશનનો વિરોધ કરશે કે કેમ? આ કામને લઇને વિવાદ સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

સ્થાયી સમિતિની દરખાસ્તમાં જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં આવેલ તળાવોની સ્વચ્છતા તથા સુંદરતા જળવાય અને શહેરીજનોને ઉપયોગી બને તે હેતુથી ભાયલી તળાવના નવિની કરણની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અંદાજ રૂપિયા 6,12,15,400 GST અને Contingency સહની મંજુરી મળેલ છે. જેની કામગીરીના નેટ અંદાજ રૂપિયા 4,89,72,310 હતો.

ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા એક પછી એક શહેરના તળાવોનું બ્યુટિફીકેશન કરવામાં આવી રહ્યું છે. તળાવોના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, તળાવોના બ્યુટિફિકેશન બાદ યોગ્ય મેઇન્ટેનન્સના અભાવે તળાવોની દુર્દશા થઇ રહી છે. તળાવોમાં જંગલી વેલની ચાદર પથરાઇ ગઇ છે. ઇજારદારો દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. છેલ્લે કપુરાઇ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે ભારે વિવાદ સર્જાયો હતો. તેજ રીતે છાણી ગામના તળાવના બ્યુટિફીકેશના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આજે તે તળાવની હાલત કફોડી બની ગઇ છે.

બ્યુટિફિકેશન થઇ ગયેલા તળાવોની એક બાજુ દુર્દશા થઇ થઇ રહી છે. બીજી બાજુ પાલિકા દ્વારા નવા તળાવોના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા જઇ રહ્યું છે. પાલિકા એવા ઇજારદારને કામ સોંપવા જઇ રહ્યું છે, જે ઇજારદારે અગાઉ તળાવોના બ્યુટિફિકેશન કામમાં વેઠ ઉતારી છે. તેવા ઇજારદાર પાસે ભાયલી તળાવનું બ્યુટિફિકેશનનુ કામ સોંપવાનો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે.

Share :

Leave a Comments