- આજવા રોડ પર આવેલા શ્રી ગણેશ આઈસ ડીસ અને રસના સંચાલકો દ્વારા રોડ ઉપર કચરો ફેંકવામાં આવતો હોવાની ફરિયાદો મળતા પાલિકા દ્વારા વોચ ગોઠવી તપાસ કરાઇ હતી
- રાત્રિ બજારના દુકાનદારો દ્વારા એંઠવાડ નાંખવામાં આવતો હોવાની પાલિકાને ફરિયાદો મળી
શહેરના આજવા રોડ પર આવેલા શ્રી ગણેશ આઇસ ડીસ અને શેરડી રસના સંચાલક દ્વારા રોડ ઉપર કચરો ફેંકવામાં આવતા પાલિકા દ્વારા રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે રાત્રિ ખાણીપીણી બજારના વહેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રસ્તા પર કચેરો ફેંકનાર સામે પાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરતા કચરો ફેંકનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
મળેલી માહિતી પ્રમાણે, શહેરના આજવા રોડ પર આવેલા શ્રી ગણેશ આઈસ ડીસ અને રસના સંચાલકો દ્વારા રોડ ઉપર કચરો ફેંકવામાં આવતો હોવાની પાલિકાને ફરિયાદો મળી હતી. ફરિયાદો મળતા પાલિકા દ્વારા વોચ ગોઠવી તપાસ કરવામાં આવી હતી. જેમાં તથ્ય જણાતાં આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર ટીમ સાથે પહોંચી ગયા હતા અને દુકાનદારને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.
આ ઉપરાંત પાલિકાને વુડા સર્કલ પાસે આવેલા ખાણીપીણીના રાત્રિ બજારના દુકાનદારો દ્વારા બજારના કમ્પાઉન્ડ વોલની બાજુમાં એંઠવાડ નાંખવામાં આવતો હોવાની પાલિકાને ફરિયાદો મળી છે. જે ફરિયાદોના આધારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે જણાવ્યું હતું કે, આજે ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને જે દુકાનદારો દ્વારા એંઠવાડ નાંખવામાં આવી રહ્યો છે. તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.