- મકાનનો ધરાશાયી થયેલો ભાગ પાર્ક કરેલી મોટરસાયકલ પર પડતાં કાટમાળમાં દબાઈ, ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવી
વડોદરાનો ઐતિહાસિક વરઘોડો જ્યાંથી નીકળે છે તે નરસિંહજીની પોળમાં આજે 100 વર્ષ જેટલું જૂનું જર્જરીત મકાન ધરાશાયી થઈ જતા ગભરાટ ફેલાયો હતો.
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો જોખમી બન્યા છે અને અવારનવાર વરસાદ વખતે મકાન તૂટવાના બનાવ બની રહ્યા છે ત્યારે આજે વધુ એક બનાવ બનતા જાનહાની થતા રહી ગઈ હતી. નરસિંહજીની પોળમાં આવેલું 100 વર્ષ જેટલા જૂના બે માળના જર્જરિત મકાનને અગાઉ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આજે મંગળવારે બપોરના અરસામાં મકાનનો આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. સતત અવરજવર વાળા ઉપરોક્ત વિસ્તારમાં મકાન તૂટ્યું તારે કોઈ વ્યક્તિ પસાર થતી નહીં હોવાથી જાનહાની થતા રહી ગઈ હતી. પરંતુ નીચે એક મોટરસાયકલ પાર્ક કરેલી હતી તે કાટમાળમાં દબાઈ જતા ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી છે.