- જિલ્લા પંચાયતની તમામ મિલ્કતોની જાળવણી માટે 50 લાખની અને સરપંચ તાલુકા સદસ્યો તેમજ અધિકારીઓની ટ્રેનિંગ માટે 19 લાખની જોગવાઈ કરાઇ
વડોદરા જિલ્લા પંચાયત ખાતે આ વર્ષની અંતિમ કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2024-25નું રિવાઇઝ બજેટ અને વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ બેઠક પૂર્વે કારોબારી સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કારોબારી સમિતિની બેઠકમાં કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠક શરૂ થાય તે પૂર્વે બે મિનિટનું મૌન પાળી દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના નિધનને લઈ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વડોદરા જિલ્લા પંચાયતમાં યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ એજન્ડા ઉપર વાતચીત કરવામાં આવી હતી અને વર્ષ 2024-25નું રિવાઈઝ બજેટ અને વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડ્રાફ્ટ બજેટમાં આશરે આશરે 38 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવે છે. જે આગામી સમયમાં સભામાં રજૂ કરવામાં આવશે.
આ અંગે કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીએ જણાવ્યું હતું કે, જિલ્લાને સર્વાંગ વિકસિત બનાવવા માટે સરપંચ તાલુકા સદસ્યો તેમજ અધિકારીઓની ટ્રેનિંગ માટે પહેલીવાર 19 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલન ક્ષેત્રે દરેક તાલુકાઓમાં પશુદવાખાના ખાતે પશુઓની સારવાર માટે લોખંડની હોઈસ્ટ ટ્રેવીસ/ફીક્સ ટ્રેવીસ માટે પ્રથમ વાર રૂપિયા 10 લાખની જોગવાઈ કરવામા આવી છે. સાથે જૈવિક ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે પ્રાકૃતિક ખેતી અંતર્ગત માળખાકીય સુવિધા માટે પ્રથમવાર રૂપિયા 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે બાળકો માટે નાસ્તાની ડીસ, ચમચી, રાંધવા પીરસવા માટેના વાસણ, પાણીની ટાંકી, મોટર, બેંસવાના આસન પટટા જેવી વિવિધ પાયાની જરૂરીયાત માટે રૂપિયા 65 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
વધુમાં કહ્યું કે, જિલ્લા હસ્તકની જિલ્લા પંચાયતની તમામ મિલ્કતોની જાળવણી માટે ફેન્સીંગ અથવા તો જરૂરિયાત લાગે ત્યાં દીવાલ કરવા માટે અને નિભાવણીના માટે રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામા આવી છે. સાથે જિલ્લા પંચાયતની આવકમાં વધારો કરવા માટે જિલ્લા પંચાયત હસ્તકની જમીન પી.પી.પી ધોરણે વિકસાવવા માટે પ્રથમવાર રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આયુર્વેદિક શાખાને જિલ્લાના આયુર્વેદિક દવાખાનામાં પાયાની સુવિધા માટે પ્રથમવાર 16 લાખ રૂપિયાની જોગવાઈ કરવામા આવી છે. આ સાથે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આંતરિક કાશની સફાઈ વગેરે માટે પ્રથમવાર જિલ્લામાં 30 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ. સાથે સાથે ધોરણ-8માં જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ લાવનાર દીકરીઓ-બાલિકાઓને પ્રોત્સાહક ઈનામ માટે પ્રથમવાર રૂપિયા 6 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે.