વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બાપુની દરગાહ પાસે રહેતા યુવકનો જન્મદિવસ હોવાથી બાજુમાં આવેલી દુકાનમાં જતા વેપારીએ થોડી આગળ ફટાકડા ફોડવા માટે કહ્યું હતું. યુવક સહિત તેના પરિવારજનોએ વેપારી સાથે ઝઘડો કર્યો હતો અને ઢોરમાર માર્યો હતો. આ દરમિયાન છોડાવવા પડેલા તેમના પત્ની તથા પુત્રને પણ ફટકાર્યા હતા. વેપારીએ ગોરવા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી બાપુની દરગાહ પાસેની સોસાયટીમાં રહેતા પુરષોત્તમસિંહ શ્યામલાલસિંહ તોમરે ફરિયાદ નોંધાવી છે કે, 35 વર્ષથી દૂધ અને દહીંનો વેપાર-ધંધો કરૂ છું. 22 એપ્રિલના રોજ મારી દુકાન ઉપર હું તથા મારી પત્ની નિલમ બંને હાજર હતા અને અમારા ઘરની સામેની લાઈનમાં ચાર મકાન છોડીને આગળ રહેતા પ્રથમ રણજીત પઢીયારનો જન્મ દિવસ હોવાથી રાત્રીના 8.30 વાગ્યાના સમય દરમિયાન અમારી દુકાનની સામે આ છોકરો ફટાકડા ફોડતો હતો.
જેથી મે તેને જણાવ્યું કે, થોડા આગળ ફટાકડા ફોડો, ફટાકડા ફૂટીને મારી દુકાનમાં આવે છે તેમ છતાં તેઓ માન્યા ન હતા. પ્રથમ પઢિયાર તથા તેના પિતાજી રણજીત પઢિયાર, કાકા નિરંજન પઢીયાર અને કાકી પ્રીતિબેન પઢીયાર આવીને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા, જેથી હું દુકાન બહાર આવીને તેઓને ગાળો નહિ બોલવા જણાવતા મને પિતા-પુત્ર તથા કાકાએ માર માર્યો હતો.
આ દરમિયાન મારી પત્ની નિલમબેન તથા પુત્ર અનુરાગ સિંહ મને છોડાવા આવતા પ્રિતી નિરંજન પઢિયાર સહિતના લોકોએ ઢોર માર માર્યો હતો. આ દરમિયાન સોસાયટીના માણસો આવી જતા અમને છોડાવતા આ લોકો જતા રહ્યા હતા. જેથી, પોલીસે વેપારીની ફરિયાદના આધારે પ્રથમ રણજીત પઢીયાર, રણજીત પઢીયાર, નિરંજન પઢીયાર તથા પ્રિતીબેન નિરંજન પઢીયાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.