ગુજરાત પોસ્ટલ સર્કલ સ્પોર્ટ્સ બોર્ડના નેજા હેઠળ પોસ્ટ વિભાગ દ્વારા 35મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 5 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 રાજ્યની ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ચાર ગ્રાઉન્ડ ખાતે રમાશે.
રીજનલ હેડ દિનેશ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા પોસ્ટલ પ્રાદેશિક કાર્યાલયને 35મી ઓલ ઈન્ડિયા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું વિશિષ્ટ સન્માન મળ્યું છે. જે 5 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સુનિશ્ચિત થઇ છે. આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત પોસ્ટલ સર્કલ સ્પોર્ટ્સ બોર્ડના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ મેચો વડોદરાના અગ્રણી ક્રિકેટ સ્થળોએ યોજવામાં આવશે, જેમાં પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ગ્રાઉન્ડ, વડોદરા, રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ, અંકોલ ક્રિકેટ ગ્રાઉન્ડ, ખાનપુર ક્રિકેટ ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે.
પ્રારંભિક લીગ મેચો માટે ભાગ લેનાર 16 ટીમોને ચાર જૂથોમાં વહેંચવામાં આવશે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમો ક્વોલિફાયર રાઉન્ડમાં અને પછી સેમી ફાઇનલમાં જશે. સેમિ-ફાઇનલ મેચોના વિજેતાઓ ચેમ્પિયનશિપનો દાવો કરવા માટે ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે. સાથે જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ, સ્વ. અંશુમાન ગાયકવાડ પર એક વિશેષ કવર પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર, વડોદરા ખાતે 4 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન બહાર પાડવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં વિશિષ્ટ મહેમાનો બેડમિન્ટન પ્લેયર અને પેરા ઓલિમ્પિયન પારુલ પરમાર, અજીત લેલે, બરોડા ક્રિકેટ એસોસિએશન, નયન મોગિયા, ભૂતપૂર્વ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમ, અનિરુદ્ધ ગાયકવાડ ક્રિકેટ કોચ અને માર્ગદર્શક અને ગણેશ સાવલેશ્વરકર, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ ઉપસ્થિત રહેશે.
દેશભરના વિવિધ પોસ્ટલ સર્કલનું પ્રતિનિધિત્વ કરતી કુલ 16 ટીમો ભાગ લેશે. જેમાં રાજસ્થાન, APS કોર્પ્સ, છત્તીસગઢ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, હરિયાણા, ઝારખંડ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. પુરક માહિતી અધિકારી ડો. શિવરામે પૂરી પાડી હતી.