- આ સમયે માથાભારે વસીમ સલીમ દુરરાનીએ પીસીઆર વાન પર હુમલો કરી પાછળના બંને કાચ તોડી નાંખ્યા હતા, સાથે જ પોલીસકર્મી જોડે દુર્વ્યવહાર કર્યો હતો, આરોપીની ધરપકડ
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં માથાભારે તત્ત્વોનો આતંક સામે આવ્યો છે. ગતરાત્રે નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ વાન પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં યુવકે પોલીસની પીસીઆર વાનના પાછળના બંને કાચ તોડી નાંખ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને અંજામ આપનાર વસીમ નામના યુવકની ફતેગંજ પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ આલાહજરત ચોક રોશનનગરથી પોલીસને વર્દી મળી હતી કે, એક કિશન નામનો યુવક દારૂ પીને ઝઘડો કરે છે. જેથી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. આ સમયે માથાભારે તત્ત્વ વસીમ સલીમ દુરરાનીએ પીસીઆર વાન પર હુમલો કરી દીધો હતો. સાથે જ પોલીસકર્મી જોડે દુર્વ્યવહાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પોલીસે આરોપીને દબોચી લીધો છે. આ ઘટનામાં આરોપી દ્વારા પીસીઆર વાનના પાછળના બંને તરફના કાચ તોડી નાંખવામાં આવ્યા છે.
સમગ્ર મામલે સામાજીક કાર્યકર નાઝીમ શેખે જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે 12 વાગ્યે નવાયાર્ડ વિસ્તારમાં પોલીસવાન પર હુમલો કરવામાં આવ્યો છે. તેમાં બેઠેલા મહિલા કર્મચારી જોડે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાની જાણ થતાં તુરંત દોડી ગયો હતો. નવાયાર્ડમાં રહેતા ગુંડા તત્ત્વો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ, તેમની સાચી જગ્યા જેલ છે. કેટલાક લોકો નશાખોર છે અને તેઓ મોડી રાત સુધી જાગતા રહે છે. રાતે ખાણી-પીણીની લારીઓ બંધ થવી જોઇએ. આ ઘટનાની હું નિંદા કરું છું.