વાઘોડિયામાં નિવૃત્ત RFOના બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા 8 લાખના દાગીના ચોરી ફરાર

વાઘોડિયામાં બજારચોકમાં આવેલા બંધ મકાનમાં ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ

MailVadodara.com - Smugglers-steal-jewellery-worth-Rs-8-lakh-from-retired-RFOs-locked-house-in-Waghodia-escape

- પોલીસે તસ્કરોની ભાળ મેળવવા માટે બજારમાં લગાવેલા વિવિધ સીસીટીવી ફૂટેજો તપાસ્યા

- ડોગ સ્કવોડ-ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવાઈ, જોકે પોલીસને હજુ કોઈ સગડ ન મળ્યા

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પત્ની સાથે નિવૃત્ત જીવન જીવતા RFOના બંધ મકાનના તસ્કરો તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ઘરમાંથી પત્ની અને ડોક્ટર પુત્રના પત્નીના રૂપિયા 8 લાખના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. મરણ પ્રસંગમા ગયેલા પરિવારના મકાનમાં થયેલી ચોરીના બનાવે નગરમાં ચકચાર જગાવી મૂકી છે. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈ તપાસનો દોર શરૂ કર્યો છે.


મળેલી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના વાઘોડિયામાં બજાર ચોકમાં રહેતા નિવૃત્ત RFO 65 વર્ષીય જીતેન્દ્રભાઈ જયંતીભાઈ કાશીવાલા પત્ની શકુંતલાબેન સાથે રહે છે. તેમનો BHMS થયેલ ડોક્ટર પુત્ર પ્રિયેશકુમાર વાઘોડિયામાં ક્લિનિક ચલાવે છે. અને પત્ની દિપાલીબેન સાથે 207 સંસ્કૃતિ ટાવર સનમિલન કોમ્પ્લેક્સ વાઘોડિયા ખાતે રહે છે. વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તારીખ 11 એપ્રિલે જીતેન્દ્રભાઈ કાશીવાલાના જુના પાદરા રોડ, વડોદરા ખાતે રહેતા મોટા કાકીનું અવસાન થયું હોવાથી તેઓ તેમની પત્ની અને સંસ્કૃતિ ટાવર સનમિલન કોમ્પ્લેક્સમાં રહેતા પુત્ર અને પુત્રવધૂ સાથે ગયા હતા. જીતેન્દ્રભાઈ તેમના પત્ની સાથે બે દિવસ રોકાઈ ગયા હતા. તારીખ 13 એપ્રિલે ડો.પ્રિયેશકુમાર કાશીવાલા વાઘોડિયા પરત ફર્યા હતા અને બપોરના સમયે પોતાના પિતા જ્યાં રહે છે તે ચોક બજારના ઘરે ટિફિન લઈને જમવા માટે ગયા હતા. ત્યારે મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા ચોકી ઉઠ્યા હતા. ઘરમાં જઇ વધુ તપાસ કરતા તિજોરીનો સામાન વેરવિખેર જોતા તુરંત જ તેમને પિતાને ટેલિફોનિક જાણ કરતા ચાણોદ મોટા કાકીના અસ્થિ વિસર્જન માટે ગયેલા જીતેન્દ્રભાઈ કાશીવાલા વાઘોડિયા ખાતે દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા તસ્કરો તિજોરીમાં મુકેલા પત્ની શકુંતલાબેન અને પુત્રવધુ દિપાલીબેનના સોનાના તમામ દાગીના ચોરી ગયા હોવાનું જણાયું હતું.


આ બનાવ અંગેની જાણ જીતેન્દ્રભાઈ કાશીવાલાએ વાઘોડિયા પોલીસ મથકમાં કરતા પી.આઇ. પી.આર. જાડેજા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. તે સાથે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ પટેલ પણ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને પ્રાથમિક વિગતો મેળવીને તપાસ શરૂ કરી હતી. પોલીસે જીતેન્દ્રભાઈ કાશીવાલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની પણ મદદ લીધી હતી. જોકે પોલીસને હજુ સુધી તસ્કરો અંગેના કોઈ સગડ મળ્યા નથી.

નોંધનીય બાબતે એ છે કે, ભરબજારમાં આવેલા મકાનમાંથી થયેલી ચોરીના બનાવે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. પોલીસે તસ્કરોની ભાળ મેળવવા માટે બજારમાં લગાવેલા વિવિધ સીસીટીવી ફૂટેજો પણ ચેક કરવાની શરૂઆત કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી પોલીસને આ અંગેની કોઈ માહિતી મળી નથી.

Share :

Leave a Comments