વડોદરા શહેરમાં છેલ્લાં ચાર દિવસમાં છ લિકેજ, કરોડોના GIS પ્રોજેક્ટ છતાં પાણીનો બેફામ બગાડ

પાણીની અછત વચ્ચે શહેરમાં લાખો લિટર પાણીનો વેડફાટ

MailVadodara.com - Six-leakages-in-Vadodara-city-in-the-last-four-days-reckless-wastage-of-water-despite-GIS-project-worth-crores

- સયાજીપુરા સહિત અનેક વિસ્તારોમાં પાણીની લાઈન ભંગાણથી સમસ્યા

- ઓનલાઈન ફરિયાદ બાદ પણ તંત્ર ધીમું પડતાં GIS સિસ્ટમની અસરકારકતા પર સવાલો ઉઠ્યા

વડોદરા શહેરમાં એક તરફ પાણીની અછત અને કકળાટ વચ્ચે બીજી તરફ ચોખ્ખા પાણીનો બેફામ વેડફાટ થતો હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનના છ ભંગાણ નોંધાયા છે. તેમ છતાં પાણીનું લીકેજ ત્વરિત શોધવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ઉભી કરાયેલી જીઆઈએસ સિસ્ટમ અસરકારક સાબિત થઈ રહી નથી તેવા સવાલો ઊભા થયા છે.

ગઈ રાત્રે સયાજીપુરા વિસ્તારમાં આવેલી મણીભાઈ પાર્ક સોસાયટીમાં પાણીની લાઈન લીકેજ થતાં લાખો લિટર ચોખ્ખું પાણી માર્ગો પર અને ગટરમાં વહી ગયું હતું. સ્થાનિક રહીશોએ વોર્ડ નં. 4માં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હોવા છતાં તાત્કાલિક કાર્યવાહી થઈ નહોતી. માર્ગ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મહાનગરપાલિકાએ પાણીની લાઈનમાં લીકેજ થાય તો તેની ત્વરિત જાણ થાય અને ઝડપથી સમારકામ થઈ શકે તે માટે અંદાજે રૂ.20 કરોડના ખર્ચે જીઆઈએસ સિસ્ટમ અમલમાં મૂકી છે. જોકે શહેરમાં અનેક સ્થળોએ બે-બે દિવસ સુધી પાણી લીકેજ ચાલતું રહે છે અને સ્થાનિકો ફરિયાદ કરે ત્યારબાદ જ તંત્ર હરકતમાં આવતું હોવાનું જોવા મળી રહ્યું છે.

સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે એક તરફ નાગરિકો પાણી માટે તરસી રહ્યા છે અને બીજી તરફ લાખો લિટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. પાણીના સંચાલન અને જીઆઈએસ સિસ્ટમની કામગીરી અંગે હવે મહાનગરપાલિકાના આયોજન સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Share :

Leave a Comments