સેવાસી ગામના આમલી વાળા ફળિયામાં રહેતા 38 વર્ષીય યુવકનો મૃતદેહ તળાવમાંથી મળતા ચકચાર

હનુમાનજી મંદિર નજીક તળાવમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા

MailVadodara.com - Shocking-discovery-of-the-body-of-a-38-year-old-youth-living-in-the-Amli-Wala-Faliya-of-Sevasi-village-in-the-lake

- ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી મૃતદેહને બહાર કાઢી તાલુકા પોલીસને સોંપ્યો

- 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી, યુવક તળાવમાં કેવી રીતે પડ્યો તપાસ શરૂ

વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારના સેવાસીમાં બે દિવસથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ સેવાસી તળાવમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકની ઓળખ રમેશભાઈ સોલંકી (ઉંમર 38 વર્ષ) તરીકે થઈ છે. તેઓ સેવાસી ગામના આમલી વાળા ફળિયામાં રહેતા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


સેવાસી પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે આવેલા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી મૃતદેહને બહાર કાઢી તાલુકા પોલીસને સોંપ્યો હતો. તાલુકા પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક યુવકનું નામ રમેશભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. તેઓના અવસાનથી તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ યુવક છેલ્લા બે વર્ષથી અસ્થિર હતો અને તે બે વર્ષથી ઘરે રહેતો હતો. આ યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પોલીસે આ યુવક તળાવ પાસે કઈ રીતે ગયો અને પડી ગયો કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ યુવકના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પિતાની તબિયત કેટલાક સમયથી સારી ન હોવાથી તેઓએ આ પગલું ભર્યું હોય તેવી પોલીસને આશંકા છે. હાલમાં તાલુકા પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments