ફતેગંજ બ્રિજ ઉપર એક સાથે 10 વાહનો અથડાયા, બ્રિજ પર એક કલાકથી વધુ સમય ટ્રાફિક જામ સર્જાયો

વરસાદને કારણે રસ્તો લપસણો બનતાં બ્રિજ પર એક પછી એક વાહનો ભટકાયા હતા

MailVadodara.com - 10-vehicles-collided-simultaneously-on-Fatehganj-Bridge-causing-traffic-jam-on-the-bridge-for-more-than-an-hour

- પહેલા બસે કારને ટક્કર મારી, એક પછી એક વાહનો અથડાયા, કોઈ જાનહાની થઈ નથી

વડોદરા શહેરના વ્યસ્ત ફતેગંજ બ્રિજ પર એક સાથે અંદાજે 10 વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બ્રિજ પર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, જેના કારણે નોકરી-ધંધાર્થે નીકળેલા અનેક વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા.


વરસાદને કારણે રસ્તો લપસણો બનતાં બ્રિજ પર એક પછી એક વાહનો ભટકાયા હતા અને ચેઇન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ અનેક કાર અને અન્ય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકને પૂર્વવત્ કરવા તેમજ અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના કારણે બ્રિજ પર એક કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.


પ્રત્યક્ષદર્શી સ્વપ્નિલ પટેલે જણાવ્યું હતું કે વડોદરામાં અચાનક એવું થયું કે, બધી ગાડીઓ ટ્રાફિક જામ હોવાના કારણે શાંતિથી ઊભી હતી. એવામાં અચાનક મહારાષ્ટ્ર પાસિંગ વાળી બસે સૌથી પહેલાં એક 'બલેનો' કારને ટક્કર મારી હતી. બલેનોથી આગળ ગ્રાન્ડ વિટારા કાર હતી, તેને ટક્કર વાગી હતી. ગ્રાન્ડ વિતારાથી આગળ આ 'ટેમ્પો' હતો અને એ ટેમ્પોએ મારી ગાડીને સાઇડ પર હટાવીને વચ્ચે અંદર ઘૂસી ગયો છે. એટલે તમે વિચારી લો કે બસની ટક્કર એટલી ભયાનક હતી કે ચોથી ગાડી સુધી બધી ગાડીઓની પથારી ફેરવી નાખી છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હવે ડ્રાઇવર તો એવું જ કહેવાનોને કે બ્રેક નહોતી વાગી કે પછી ગાડીમાં બ્રેક હતી જ નહીં, પહેલા એ ચેક કરાવોને અને આટલી સ્પીડમાં બસ કેમ હતી? શું સરકાર પાસે આ બધું ચેક કરવાની કોઈ સિસ્ટમ છે ખરી? તો પહેલા એ ચેક કરાવો.



Share :

Leave a Comments