- કપુરાઇ પોલીસે પશુઓ તથા ગાડીઓ સહિત 8.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 4 શખ્સોની અટકાયત કરી
- પશુઓને કોર્પોરેશનના દરજીપુરા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા
કતલખાને લઈ જવાના ઇરાદે પશુઓને ક્રૂરતા પૂર્વક ભરી આજવા ચોકડી પાસેથી પસાર થઈ રહેલ છ પશુઓ ભરેલ બે ગાડીઓને ગૌરક્ષા કાર્યકર્તાઓએ ઝડપી પાડતા કપુરાઇ પોલીસે પશુઓ તથા ગાડીઓ સહિત 8.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાર શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગૌરક્ષા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરાને વાઘોડિયા ચોકડીથી ગોલ્ડન ચોકડી તરફ બે પિકઅપ ગાડીમાં પશુઓ ભર્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે કાર્યકર્તાઓએ આજવા ચોકડી બ્રિજ ખાતેથી પશુઓ ભરેલ બંને પિકઅપ ગાડીને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ગાડી ચાલક નજીમભાઈ જમાલભાઈ પાયક અને ક્લીનર રજાકભાઈ ઉંમરભાઈ કાબલીયા (બંને રહે-મહુવા ,ભાવનગર) હોવાનું બહાર આવ્યું હતું. તેઓની ગાડીમાંથી ત્રણ પશુ મળી આવ્યા હતા. જ્યારે બીજી ગાડીના ચાલક રફિકભાઈ ઈસાભાઈ કાબલીયા અને ક્લીનર મજીદ મહમદભાઈ વકાત (બંને રહે-મહુવા, ભાવનગર) હોવાનું બહાર આવ્યું હતું. તેઓની ગાડીમાંથી પણ ત્રણ પશુ મળી આવ્યા હતા. પોલીસે પાસે પરમિટ વગર રૂ.90 હજારની કિંમતના 6 પશુઓ તથા ગાડી સહિત કુલ રૂ.8.90 લાખનો મુદ્દામલ કબ્જે કરી આ પશુઓ કોણે ભરી આપ્યા અને કોને પહોંચાડવાના હતા તે સહિતના મુદ્દે તપાસ આરંભી છે. જ્યારે પશુઓને કોર્પોરેશનના દરજીપુરા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે.