વડોદરા શહેરની મધ્યમાં આવેલું સિધ્ધનાથ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે ગંદુ અને ગંધાતું બની ગયું છે. તળાવના પાણી પર લીલની ચાદર છવાઈ ગઈ છે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આશરે 6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ તળાવની આ હાલત છે.
વડોદરામાં ગત ચોમાસામાં ભારે વરસાદ પડ્યો હોવા છતાં તળાવ ભરાયું ન હતું. લોકોને ના પાડવા છતાં તળાવમાં પૂજાપો ફેંકી જાય છે. લોકો ચાલુ વાહને ઉપરથી કચરો ફેંકીને જતા રહે છે. તળાવમાં અંદર ઉતરીને સફાઈ કરવામાં આવતી નથી. તળાવમાં ફટકડી નાખવા તેમજ શુદ્ધ પાણી માટે બે બોર બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે ચોમાસાનું ઉપરથી પાણી પડે તે સિવાય તળાવમાં પાણીની બીજી કોઈ આવક નથી. ફુવારો બનાવવાનું પણ કહેવાયું છે. જેથી પાણીનું હલનચલન થાય. અગાઉ પાણી ઉપર જામેલી લીલ સાફ કરવામાં આવતી હતી. ફટકડી નાખવામાં આવતી હતી. હવે આ બધું બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વિસ્તારના લોકોએ તળાવની તકેદારી લેવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.