ટુંડાવ ગામ પાસેથી કેટરિંગનો વ્યવસાય કરતા 32 વર્ષીય યુવકનો મૃતદેહ મળતા ચકચાર

ટુંડાવ-સાવલી રોડ પર ખુલ્લી જગ્યામાંથી મૃતદેહ મળ્યો, મૃતકની મોટરસાઇકલ પણ મળી આવી

MailVadodara.com - Shocking-discovery-of-body-of-32-year-old-catering-business-man-near-Tundav-village

- મરનાર યુવક રાહુલ રાજેન્દ્ર કુમાર સોની સુભાનપુરાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

- પ્રાથમિક તપાસમાં મૃતકને લાકડીઓ જેવાં હથિયારોથી માર મારવામાં આવતાં મોત નીપજ્યું હોવાનું જણાયું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ બહાર આવશે


સાવલી તાલુકાના ટુંડાવમાં એક યુવકની હત્યા નીપજાવી દેવામાં આવી છે. કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 32 વર્ષીય યુવક રાહુલ સોનીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા જિલ્લામાં છેલ્લાં 10 દિવસમાં ચોથી હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી છે. વાઘોડિયા, કરજણ અને પાદરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં જ સાવલીના ટુંડાવમાં એક યુવકની હત્યા નીપજાવી દેવામાં આવી છે. મળેલી માહિતી પ્રમાણે, સાવલી તાલુકાના ટુંડાવ-સાવલી રોડ નજીકની ખુલ્લી જગ્યામાંથી મંજુસર પોલીસને મૃતદેહ મળ્યો હતો. પોલીસની તપાસમાં મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીનો રહેવાસી રાહુલ રાજેન્દ્રકુમાર સોની (ઉં.વ. 32) હોવાનું ખૂલ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી મોટરસાઇકલ પણ મળી છે. પોલીસે મૃતદેહ અને મોટરસાઇકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


મંજુસર પોલીસ મથકના પીઆઇ સિસોદિયાએ જણાવ્યું હતું કે મૃતક રાહુલ સોની કેટરિંગનો વ્યવસાય કરતો હતો. ત્રણ વર્ષ પહેલાં તેના છૂટાછેડા થયા હતા. રાહુલ સોનીનાં પરિવારજનોને બનાવની જાણ કરતાં આવી પહોંચ્યાં હતાં. હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાં મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકને લાકડીઓ જેવાં હથિયારોથી માર મારવામાં આવતાં મોત નીપજ્યું હોવાનું જણાય છે છતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ બહાર આવશે.

કેટરિંગનો વ્યવસાય કરતા 32 વર્ષીય રાહુલ સોનીની હત્યા થઇ હોવાની વાત સુભાનપુરા વૈકુંઠ સોસાયટી વિસ્તારમાં થતાં ચકચાર મચી ગઇ હતી. રાહુલ સોનીની હત્યા કોણે કરી અને શા માટે કરી એ અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે એવી શક્યતા છે.   

Share :

Leave a Comments