સાવલીના યુવકે ટીવીના રિચાર્જમાં રૂપિયા 5૦૦ રિફન્ડ મેળવવાની લાલચમાં ૯૯ હજાર ગુમાવ્યા

પરથમપુરા ગામમાં રહેતા પંકજ રોહિતે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Savli-youth-loses-Rs-99000-in-the-lure-of-getting-Rs-500-refund-on-TV-recharge

- સાયબર ઠગોએ ૧૦ મિનિટ સુધી મોબાઇલ હેક કરી બેન્ક એકાઉન્ટ ખાલી કર્યું

સાવલી તાલુકાનો યુવાન ટીવી રિચાર્જ કરવા માટે રૂા.૫૦૦ રિફન્ડ મેળવવાની લાલચમાં ઓનલાઇન ફ્રોડનો ભોગ બન્યો હતો. સાયબર ઠગોએ મોબાઇલ હેક કરી બેન્ક એકાઉન્ટમાંથી રૂા.૯૯ હજાર તફડાવી લીધા હતાં.

સાવલી તાલુકા પરથમપુરા ગામમાં રહેતા પંકજ ચીમનભાઇ રોહિતે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું મંજુસર જીઆઇડીસીમાં નોકરી કરું છું. તા.૧૩ ફેબુ્રઆરીના રોજ સાંજે ટીવીમાં ટાટા સ્કાયનું રૂા.૪૦૦નું રિચાર્જ પેટીએમ દ્વારા કરાવતા ટીવી ચાલું થયું હતું. ત્યાર બાદ તા.૨૪ ફેબુ્રઆરીના રોજ ટીવી પરની સેવાઓ બંધ થઇ જતાં મેં ગુગલ પર ટાટા પ્લેના કસ્ટમર કેર પર સર્ચ કરી મળેલા નંબર પર ફોન કરતાં સામેથી જવાબ મળ્યો હતો કે અમે ચેક કરીને જણાવીએ છે.

થોડા સમય બાદ બીજા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેથી જણાવેલ કે તમે ટાટા સ્કાય પર રૂા.૪૦૦નું રિચાર્જ કર્યું હતું પરંતુ ટેકનિકલ ખામીના કારણે ૧૦ દિવસમાં પૂર્ણ થયું છે, અમે તમને રૂા.૫૦૦ રિફન્ડ આપીએ છે, જે પ્રમાણે હું માહિતી માંગુ તે પ્રમાણે તમારે ઓનલાઇન તમારા મોબાઇલમાં પ્રોસેસ કરવાનો છે. મેં હા પાડતાં તે ફોન કાપીને વોટ્સએપ પર વીડિયોકોલ આવ્યો હતો અને તમારી પાસે એટીએમ, પાનકાર્ડ હોય તો ફોટો મોકલી આપો તેમ કહેતાં મેં મોકલી આપ્યો  હતો. બાદમાં સામેથી જણાવેલ કે રૂા.૪૦૦ રિચાર્જમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે જેથી તમારે ફરીથી રૂા.૪૦૦ રિચાર્જ કરવાનું રહેશે અને એક લિન્ક મોકલી તેને ઓપન કરવાનું કહ્યું હતું.

મારા મોબાઇલમાં આવેલી લિન્ક મેં ઓપન કરી ત્યારે મને મોબાઇલ હેક થયો હોય તેમ લાગ્યું હતું અને થોડા સમયમાં સામેથી કહ્યું રૂા.૫૦૦ રિફન્ડ કર્યા છે તમારુ પેટીએમ બેલેન્સ ચેક કરી લો. મેં બેલેન્સ ચેક કરતા રિફન્ડ જમા દેખાતું હતું. આશરે એક કલાક સુધી કોલ ચાલુ રખાવ્યો હતો અને ચાલુમાં જ ફોન ૧૦ મિનિટ સુધી બંધ થઇ ગયો હતો. બાદમાં મોબાઇલ સ્ક્રિન પર લાલ કલરનું ટપકાનું ચિહ્ન આવ્યું હતું અને પછી ફોન ચાલુ થતાં રૂા.૯૯ હજાર મારા બેન્ક એકાઉન્ટમાંથી ડેબિટ થયા હોય તેવો મેસેજ આવ્યો હતો.

Share :

Leave a Comments