- કોર્ટે આરોપીને 50 હજારનો દંડ ભરવા હુકમ કર્યો, આરોપી જીગર ચૌહાણે સગીરાને ભગાડી જઇ હાલોલ, અમદાવાદ, સંખેડાનાં આનંદપુર એમ વિવિધ સ્થળે લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું
વડોદરા જિલ્લાના સાવલીની પોક્સો કોર્ટે સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ 28/10/2023ના રોજ આરોપી જીગર લક્ષ્મણભાઈ ચૌહાણ સામે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી જીગર ચૌહાણ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને હાલોલ, અમદાવાદ અને સંખેડાનાં આનંદપુર એમ વિવિધ સ્થળે લઈ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન પોલીસે આરોપી વિરુદ્ધ સાવલી પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસ સાવલીના નામદાર કોર્ટના જજ જે.એ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલ સી.જી. પટેલની દલીલો ધ્યાનમાં રાખીને આરોપી જીગર લક્ષ્મણભાઈ ચૌહાણ (રહે. ખાખરીયા નવી નગરી, સાવલી)ને દોષી ઠેરવી 20 વર્ષની કેદ તેમજ 50 હજાર રૂપિયા દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તે સાથે આરોપી જે દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તે ભોગ બનનાર સગીરાને વળતર તરીકે ચૂકવવા ઉપરાંત ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર સગીરાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરી છે.