- આરોપીને આજીવન કેદની સજા અને અન્ય કલમ હેઠળ 5,000નો દંડ ફટકારાયો
ચાર વર્ષ પૂર્વે ભાદરવા પોલીસ મથકની હદમાં સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં સાવલી પોક્સો કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ત્રણ સંતાનના પિતાને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. વિવિધ કલમ હેઠળ રૂપિયા 5,000 દંડ ભરવાનો હુકમ કર્યો હતો.
વર્ષ 2020માં ભાદરવા ગામે કડિયા કામ કરતો આરોપી પ્રવીણ જલુંભાઇ બામણીયા (રહે. નગરાડા, તા. જિ. દાહોદ)એ ગામમાં જ રેહતી 14 વર્ષની સગીરાને ફોસલાવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. નરાધમ પ્રવીણ બામણીયા પોતે પરિણીત અને ત્રણ સંતાનનો પિતા હોવા છતાં પણ 14 વર્ષની સગીરાને પોતાના વતન લઈ જઈને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી પ્રવીણ બામણીયા વિરુદ્ધ ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે આરોપી છેલ્લા અઢી વર્ષથી ભાગતો ફરતો હતો. પોલીસે ભારે શોધખોળના અંતે આરોપી પ્રવીણ બામણીયાની ધરપકડ કરી સાવલી નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેની વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા હતા.
આ ચકચારી કેસ પોક્સો કોર્ટના જજ જે. એ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી. જી. પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો. દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા અને અન્ય કલમ હેઠળ રૂપિયા 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરોપીને ફટકારવામાં આવેલ દંડની રકમ પીડિતાને ચૂકવવી તેમજ વિકટીમ કોમ્પનસેશન સ્કીમ મુજબ મળતી રૂપિયા 4 લાખની સહાય પીડિતાને ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટીને ભલામણ કરી છે.