- આરોપીને 1 લાખનો દંડ ફટકાર્યો અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો
વડોદરા જિલ્લાની સાવલી પોકસો કોર્ટ દ્વારા સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા અને રૂપિયા 1 લાખનો દંડની સજાનો હુકમ કર્યો છે. સજાનું એલાન થતાં કોર્ટ પરિસરમાં સન્નાટો છવાઇ ગયો હતો. 2023ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ ડેસર પોલીસ મથકે આરોપી અનિલ ભીખાભાઈ પરમાર સામે ગુનો નોંધાયો હતો.
આ કેસની વિગત એવી છે કે, સગીરા ખેતરમાં મજૂરી કામ કરવા માટે ગઇ હતી. દીકરી ઘરે પરત ન ફરતા સગીરના પિતાએ ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપી અનિલભાઈ બુધાભાઈ પરમાર (રહે. નાની ધામની, તા. ગોધરા, જિ. પંચમહાલ) ની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, સગીરાને બાઈક પર બેસાડી સેવાલિયા લઈ ગયો હતો અને ત્યાંથી મોરબી લઈ ગયો હતો અને ત્યાં નોકરી શોધીને એક રૂમમાં રહેતો હતો અને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની કબુલાત કરી હતી.
આ કેસ સાવલીની પોકસો જજ જે. એ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી. જી. પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી અનિલ પરમારને 20 વર્ષની સજા અને રૂપિયા 1,00,000 નો દંડ ફટકાર્યો હતો. અને આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સાથે આરોપી જે દંડ ભરે તેની રકમ પીડિતાના પરિવારને ચૂકવી આપવા પણ હુકમ કર્યો છે. જ્યારે જિલ્લા લીગલ ઓથોરિટીને વીકટીમ કોમ્પનશેશન સ્કીમ હેઠળ રૂપિયા 7 લાખની સહાય ચૂકવવા ભલામણ કરી છે.