- ડભોઇ રોડ પર રહેતો અશોક મહીપાલ નામનો શખ્સ રાજસ્થાનથી મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો, પોલીસે 6.62 લાખની કિંમતનો ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજસ્થાનથી લાવવામાં આવેલી મેફેડ્રોન ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ વડોદરા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો દ્વારા દરોડા પાડીને જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
વડોદરા એસઓજી પોલીસ દ્વારા અવાર નવર શહેરમાં નશાના કારોબારીઓની કમર તોડવી, શકમંદો પર નજર રાખવા સહિતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે તાજેતરમાં એસઓજી ટીમના માણસો પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીનાં આધારે ડભોઇ રોડ પર રહેતો અશોક મહીપાલ નામનો શખ્સ વહેલી સવારે રાજસ્થાનથી મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનો જથ્થો લઇને આવ્યો છે. અને બપોરના સમયે કપુરાઇ જુના જકાતનાકાની આસપાસમાં તેની ડિલિવરી કરનાર છે. જેના આધારે રેડ કરી હતી. એસઓજી દ્વારા મળેલી બાતમી આધારે સ્થળ પર ટીમ દરોડા પાડયા હતા. દરમ્યાનમાં અશોકકુમાર મહીપાલ મેઘવાલ (હાલ ભાડે રહે. મહાનગર, વુડાના મકાન, ડભોઇ) (મુળ રહે. ગર્વા બસ્તી, ઇસ્માલપુર, ઝુનઝુન, રાજસ્થાન) ને ઝડપી લેવામાં આવ્યો હતો. દરમ્યાનમાં અહીથી રૂપિયા 6.62 લાખની કિંમતનો મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં નિલોફર મુન્નાભાઇ સલમાની (રહે. તાંદલજા, વડોદરા) અને કાલુ (રહે. પ્રતાપગઢ, રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ઈસમ સામે અગાઉ એનડીપીએસને ગુનો નોંધાઇ ચુક્યો હોવાનું સપાટી પર આવ્યું છે. આ મામલે કપુરાઇ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું .
આ અંગે એસોજી પીઆઈ એસ. ડી. રાતડા સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ આરોપી એનડીપીએસના ગુનામાં ફરી એકવાર ઝડપાયો છે અને આ આરોપીને અમે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરીશું. રિમાન્ડ બાદ વધુ વિગતો સામે આવશે.વડોદરા શહેર એસ ઓ જી પોલીસ ડ્રગ્સના ગુનેગાર ઉપર સપાટો બોલાવ્યો છે. છેલ્લા 45 દિવસમાં 9 ગુના દાખલ કરીને 16 આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સનો રૂપિયા 34,95,300ના મુદ્દામાલ સાથે કુલ રૂપિયા 46,52,840 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.