- આંદોલન પછી પણ સરકાર દ્વારા પ્રમોશન સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી 30 એપ્રિલથી માસ સીએલ ઉપર જવાની ચીમકી કર્મચારી મંડળે ઉચ્ચારી
મહેસુલ વિભાગના કર્મચારીઓના પ્રમોશન સહિતના પડતર પ્રશ્નોને લઇને કર્મચારી મહામંડળ દ્વારા વડોદરા સહિત 33 જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા પ્રશ્નોનુ નિરાકરણ ન લેવાતાં આજથી કાળી પટ્ટી ધારણ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલન પછી પણ સરકાર દ્વારા પ્રશ્નોનુ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી તા. 30 એપ્રિલથી માસ સીએલ ઉપર જવાની ચીમકી કર્મચારી મંડળે ઉચ્ચારી છે.
વડોદરા મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ સહદેવસિહ રાઠોડે જણાવ્યું હતું કે, મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં અવારનવાર કર્મચારીઓના 4 જેટલા પેન્ડિંગ મુદ્દાઓને લઇને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી બદલીની અરજીઓ પેન્ડિંગ છે. તેવી જ રીતે વર્ષ 2012થી નાયબ મામલતદારોની સિનિયોરિટીની યાદી જાહેર કરવામાં આવે. વર્ષ 2015થી ક્લાર્કોનુ પ્રમોશન અને તાજેતરમાં સંમતી વગર બદલી કરવામાં આવેલા 25 જેટલા કર્મચારીઓને મૂળ જગ્યા ઉપર પરત લાવવાની માગ છે. જેથી મહામંડળે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપ્યું છે.
મહેસુલી કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ ચિરાગ રાણાએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં જોડાયેલા કર્મચારીઓને 10 વર્ષથી ઉપરનો સમય થઇ ગયો છે, છતાં તેમનું પ્રમોશન આપ્યું નથી. વર્ષ 2012માં જોડાયેલા મામલતદારોને 13 વર્ષ બાદ પણ પ્રમોશન આપવામાં આવ્યું નથી. કર્મચારીઓની માંગણી છતાં જિલ્લામાં ફેરબદલી કરવામાં આવી નથી. દસ દિવસ પહેલાં અમે ઉક્ત પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ, અમારી માંગણીઓનો ઉકેલ ન આવતા આજથી કાળી પટ્ટી ધારણ કરી કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી છે. હજુ પણ વહેલીતકે માંગણીઓનો હકારાત્મક ઉકેલ નહીં આવે તો ગુજરાત મહેસુલી મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં કર્મચારીઓ દ્વારા માસ સીએલ અને હડતાલ જેવા વિવિધ કાર્યક્રમો તબક્કાવાર રીતે આપવામાં આવશે.
વડોદરા જિલ્લા મહેસૂલ કર્મચારીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે મહેસુલ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. વડોદરા સહિત ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળના આદેશ અનુસાર, મહેસૂલી કચેરીઓમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહેસુલી વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આમારી પડતર માંગણીઓની લડાઇ સરકાર સામે છે. મહેસુલ વિભાગમાં કામ અર્થે આવતા લોકોને કોઇ અસર પડશે નહીં. કામગીરી રાબેતા મુજબ ચાલુ છે.