- ડોક્યુમેન્ટ વેરિફિકેશનના લાંબા સમય બાદ પણ ઉમેદવારોને નિમણૂક પત્ર ન મળ્યાં
- ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે 15 દિવસમાં નિમણૂક પત્રો આપી દેવાની ખાતરી આપતાં ઉમેદવારો અધિકારીએ આપેલી ખાતરીના ભરોસે ઘરે જવા રવાના થયા
વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોએ નિમણૂંક પત્રો નહીં મળતા આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. જોકે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આગામી 15 દિવસમાં નિમણૂક પત્રો આપી દેવાની ખાતરી આપતાં ઉમેદવારો અધિકારીએ આપેલી ખાતરીના ભરોસે ઘરે જવા રવાના થયા હતા.
ઉમેદવાર ચિન્મય પરમારે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર પાલિકામાં જુનિયર ક્લાર્કની માટે પસંદગી પામેલા ઉમેદવારોને છેલ્લા પાંચ મહિનાથી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ પણ ઘણો લાંબો સમય વીતી ગયો છે તેમછતાં પણ આજ દિન સુધી આ નિમણૂક પત્ર આપવામાં નહીં આવતા આજે રાજ્યના વિવિધ જિલ્લાના પસંદગી પામેલા ઉમેદવારો પાલિકાની વડી કચેરી ખાતે આવ્યા હતા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને નિમણૂંક પત્રો વહેલી તકે આપવા માટે લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી.
ઉમેદવાર ચિન્મય પરમારે વધુમાં જણાવ્યું હતું કે, અમે ટોટલ 80 બેરોજગાર યુવાનો છે. જે છેલ્લા એક વર્ષથી બેસી રહ્યા છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી પણ છેલ્લા પાંચ મહિનાથી નિમણૂંક પત્રોની રાહ જોઈને બેઠા છે. પરંતુ, આજ દિન સુધી નિમણૂંક પત્ર મળ્યા નથી. આખરે મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે આવ્યા હતા પરંતુ, તેઓ ન મળતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળી રજૂઆત કરી છે. તેઓએ આગામી પંદર દિવસમાં નિમણૂંક પત્રો આપી દેવાની ખાતરી આપી છે. અમને આશા છે કે, હવે અમોને નિમણૂંક પત્રો મળી જશે.