- દબાણકારો દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં ન આવતા પોલીસ બંદોબસ્ત દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરાઇ, આ કામગીરી સમયે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા
શહેરના પાણીગેટ વિસ્તારમાં કાંસ ઉપર ગેરકાયદેસર બનાવવામા આવેલા ત્રણ માળના મકાનનું દબાણ આજે પાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી.
વડોદરા પાલિકાના દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાને જણાવ્યું હતું કે, શહેરના પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે વરસાદી કાંસ ઉપર એક વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ માળની ઇમારત બાંધી દેવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ પાલિકાને મળતા આજે ટાઉન પ્લાનિંગની ટીમ સાથે દબાણ શાખા દ્વારા આ કામગીરી એસ.આર.પી. જવાનોના બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલા ઉદ્યોગ નગર સોસાયટીની સામે રહેમાની પાર્કમાં આવેલી ત્રણ માળની ઇમારત જે વરસાદી કાંસ ઉપર જ બનાવી દેવામાં આવી હોવાની રજૂઆત પાલિકામાં સ્થાનિક નગરસેવકો દ્વારા કરવામાં આવી હતી. તે ફરિયાદોના આધારે પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. આમ છતાં દબાણકારો દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં ન આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી સમયે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જોકે, પોલીસ બંદોબસ્ત હોવાના કારણે દબાણ શાખા દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.