કલાલી વિસ્તારમાં નોકરી પરથી ઘરે મૂકવા જતી વખતે યુવતી સાથે અડપલા કરનાર રેપીડો ચાલકની ધરપકડ

14 મેએ રાત્રે શોર્ટકટથી છે કહી અન્ય રસ્તે લઈ જઇ યુવતી સાથે જબરજસ્તી કરી અડપલા કર્યા હતા

MailVadodara.com - Rapido-driver-arrested-for-molesting-a-girl-while-going-home-from-work-in-Kalali-area

- ગોત્રી વિસ્તારમાં કોલ સેન્ટરમાં નોકરી કરતી 26 વર્ષીય યુવતીની ફરિયાદના આધારે અટલાદરા પોલીસે અડપલા કરનાર આરોપી મહેશ નગીનભાઈ વાઘેલાની ધરપકડ કરી

વડોદરા શહેરના કલાલી નજીક નોકરી પરથી ઘરે મુકવા જતા રેપીડોના ચાલકે મૂળ આસામની યુવતી સાથે જબરજસ્તી કરી અડપલા કર્યા હતા. પોલીસે યુવતીને અડપલા કરનાર આરોપી મહેશ નગીનભાઈ વાઘેલાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ આસામની અને ગોત્રી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી કોલ સેન્ટરમાં નોકરી કરે છે. યુવતીએ તા.14 મેએ રેપીડો બુક કરી હતી. કલાલી ગામમાં રહેતો મહેશ નગીન વાઘેલા (ઉં.27), (રહે. પરબડી ફળિયું, કલાલી ગામ, વડોદરા) યુવતીને તેની ઓફિસે લેવા ગયો હતો ત્યારે મહેશે યુવતીને પૂછ્યું હતું કે, તમે રોજ આવ જાવ કરો છો? જેથી યુવતીએ હા પાડી હતી અને મહેશનો ફોન નંબર લીધો હતો.

યુવતીએ મહેશને મને ઘરે અને ઓફિસે લેવા આવજો તેમ કહ્યું હતું. તે યુવતીને મોપેડ લઈને લેવા-મુકવા જતો હતો. શનિવારે મહેશ યુવતીને તેની ઓફિસે લેવા ગયો હતો. જોકે, ત્યારે મહેશે મોપેડ વિસેન્ઝા હાઇટ્સ તરફ લઈ લીધું હતું. જેથી, યુવતીએ તમે ક્યાં લઈ જાવ છો તેમ પૂછતા મહેશે આ શોર્ટકટ છે તેમ જણાવ્યું હતું ત્યારે મહેશે તેનું મોપેડ ઉભું રાખી દીધું હતું અને તે યુવતી સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો. મહેશે યુવતીને અડપલા પણ કર્યા હતા. તેઓ વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી.

આ દરમિયાન યુવતીને ઈજા પણ પહોંચી હતી. મહેશે યુવતીનો ફોન પણ લઈ લીધો હતો. જોકે, ત્યારબાદ તેને ફોન પરત કરી દીધો હતો. યુવતીએ સ્થળ પર બુમાબુમ કરી મુકી હતી અને યુવતી ત્યાંથી ભાગી ગઈ હતી. જોકે મહેશે ત્યારે યુવતીનો પીછો કર્યો હતો. થોડીવારમાં મહેશ ત્યાંથી ભાગી ગયો હતો. જોકે ત્યારે યુવતીએ તેના મિત્રને જાણ કરતા સ્ટાફના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ મામલે અટલાદરા પોલીસે મહેશ વાઘેલા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી મહેશ નગીનભાઈ વાઘેલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments