- ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતાં પહેલા લોખંડની પાઇપ વડે ઘરેલુ ઉપયોગના બોટલોના સીલ ખોલી, કોર્મોશીયલ ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ કાઢી લેતા હતાં
વડોદરા શહેર નજીક આવેલ રણોલી GIDCમાં આવેલ શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના 10 શખસને 7.26 લાખની મત્તાના મુદ્દામાલ સાથે SOG પોલીસે ઝડપી પાડયા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા SOGને બાતમી મળી હતી કે, રણોલી GIDCમાં આવેલ રાધવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નં.4માં ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દીવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ અને ટેમ્પાઓના ડ્રાઇવરો તથા હેલ્પરો તેના મળતીયા માણસો સાથે ભેગા મળી ટેમ્પોમાં ભરેલા ભારત ગેસના ઘરેલુ બોટલોના સીલ ખોલી પાઇપ વડે ઇન્ડીયન ગેસ એજન્સીના કોર્મશીયલ ખાલી બોટલમાં થોડો થોડો ગેસ ભરી રિફિલિંગ કરી ગેસની ચોરી કરે છે. બોટલોને ફરી સીલ કરી રિ-પેકિંગ કરી ગ્રાહકોને બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બાટલામાંથી ગેસ ચોરીની પ્રવૃત્તિ ચાલુ છે.
જે બાતમી આધારે રેડ કરતાં શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક, સુપરવાઇઝર, ડ્રાઇવરો તથા હેલ્પરોએ પોત-પોતાના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતું. ગ્રાહકોને ડિલિવરી ઘરેલુ વપરાશ માટેના ભરેલા ગેસના બોટલો ડિલિવર ચલણ સાથે મેળવી તે ભરેલ ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતાં પહેલા લોખંડની પાઇપ વડે ઘરેલુ ઉપયોગના ભરેલા ગેસના બોટલોના સીલ ખોલી, કોર્મોશીયલ ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ કાઢી લેતા હતાં. આ કોર્મોશિયલ બોટલો છુટકમાં વેચાણ અર્થે કાઢી ભરી તેને ફરીથી સીલ કરી રિ-ફિલિંગ/રિ-પેકિંગ કરતા હતાં.
આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરીને ગ્રાહકોને ગેસ ભરેલ બોટલો નિયત સ્ટોક મુજબના છે, તેવો વિશ્વાસ ભરોસો આપી, ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી, ગુનાહિત પ્રવૃત્તિ કરતાં રેઇડ દરમિયાન સ્થળ પરથી 1. મયુદ્દીન નસરૂદ્દીન બેલીમ, રહે. આશીયાના પાર્ક, કાલોલ પોલીસ સ્ટેશનની સામે, તા. કાલોલ, જિ.પંચમહાલ, 2. ધર્મેશ રાજુભાઇ રાવળ, રહે. મહાકાળી મહોલ્લો. કિશનવાડી ગધેડા માર્કેટ પાછળ વડોદરા શહેર, 3. અરવિંદ રમેશભાઈ રાવળ, રહે. જય અંબે ફળીયું ઝુંપડામાં, મહાકાળી સોસાયટી સામે, કિશનવાડી, વડોદરા શહેર, 4. મહેબુબ મહોમદભાઇ મલેક, રહે. બી.પી.એસ. આવાસ યોજના, અમરશ્રધ્ધા સોસાયટી પાછળ, તરસાલી સોમાતળાવ રોડ, વડોદરા શહેર, 5. ઇમરાન બરકતભાઇ શેખ, રહે. વુડાના મકાનમાં, સિમેન્સ કંપની પાછળ, માણેજા વડોદરા શહેર, 6. નિલેશ ભીખાભાઇ સોમવંશી, રહે. મકાન નં. ૨૩, ઝંડા ચોક, સપ્તશ્રુંગી માતાના મંદીર પાસે, કિશનવાડી, વડોદરા શહેર, 7. સોહીલ અજબસિંહ પરમાર, રહે. અડાસ ગામ, ઉંડી ખડકી, તા. જિ.આણંદ, 8. શબ્બીરમીયાં મોહંમદમીયાં મલેક, રહે.વુડાના મકાનમાં, કાન્હા હાઇટસ સામે, ડભોઇ રોડ, વડોદરા શહેર, 9. સલમાન મીરસાબભાઈ ચૌહાણ, રહે. ચૌહાણ વગો, પામોલ ગામ, તા.બોરસદ, જી.આણંદ, 10. લતીફમીયાં હનીમીયા મલેક, રહે બોરૂગામ કસ્બા ફળીયું, તા. કાલોલ, જી.પંચમહાલને કુલ 7.26 લાખની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. આ ઉપરાંત ફરાર આરોપી હિરેન બળવંતરાય મહેતા, રહે. સિલ્વર સ્કવેર એપાર્ટમેન્ટ, ઉર્મિ ચાર રસ્તા પાસે, અકોટા, વડોદરાની શોધખોળ હાથ ધરી છે.