- નટુભાઈ સર્કલથી આજવા સુધી માર્ગો ઉબડખાબડ બન્યા, સોમા તળાવ-ભાયલી સહિત માર્ગો પર ફરી ખાડા પડ્યા
- ગણેશ વિસર્જન યાત્રા પહેલાં રસ્તા સુધારવાની લોકમાગ
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં બારેમાસ રસ્તા પર ખાડા જોવા મળે છે, ત્યારે ચોમાસાની શરૂઆત થતાં જ ખાડાઓની સંખ્યામાં વધારો થવો હવે જાણે પેચીદો પ્રશ્ન બની ગયો છે. ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે વાહનચાલકોની કમર દુખી જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વરસાદ રોકાયા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાડા પુરવા પેચવર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ રસ્તાની સપાટીનું લેવલ જાળવ્યા વિના કરાયેલા પેચવર્કને કારણે અનેક માર્ગો ઉબડખાબડ બની ગયા છે.
છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં ફરી વરસાદ વરસતાં જ કોર્પોરેશનના પેચવર્કની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. વરસાદના પાણી અને વાહનોની અવરજવર વચ્ચે અનેક સ્થળે કરાયેલું પેચવર્ક ઉખડી ગયું છે અને રસ્તા પર ફરી ખાડા દેખાવા લાગ્યા છે. પરિણામે વાહનચાલકોને ખાડા ટાળીને વાહન હંકારવાની ફરજ પડી રહી છે અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે.

હાલ શહેરના નટુભાઈ સર્કલ, ગાજરાવાડી પાણીની ટાંકી, સોમા તળાવ રોડ, ભાયલી, ગોત્રી અને આજવા સહિતના વિસ્તારોમાં રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે. એક તરફ કોર્પોરેશન દ્વારા ખાડા પુર્યાના દાવા કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ થોડા વરસાદમાં જ પેચવર્ક ઉખડી જતાં કામગીરીની ટકાઉપણું સામે સવાલો ઊભા થયા છે.
રસ્તાના ખાડા પુરવાની કામગીરીમાં જો રસ્તાનું લેવલ જાળવવામાં ન આવે તો ખાડા પુરાયા બાદ પણ માર્ગ ઉબડખાબડ રહે છે. જેના કારણે વાહનચાલકોને અગવડ પડે છે અને ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે જોખમ વધી જાય છે.
બીજી તરફ શહેરમાં ઠેરઠેર શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થઈ ચૂકી છે. પરંપરા મુજબ દોઢ દિવસથી શ્રીજીની વિસર્જન યાત્રાઓ શરૂ થતી હોય છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો જ ઉબડખાબડ હોય તો ભક્તોને વિસર્જન યાત્રા દરમિયાન મુશ્કેલી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.
વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને વાહનો જોડાતા હોય છે. આવા સમયે માર્ગ પરના ખાડા અને ઉખડેલું પેચવર્ક યાત્રામાં વિઘ્નરૂપ બની શકે છે.
વરસાદ રોકાય એટલે ખાડા પુરવા અને ફરી વરસાદ પડે એટલે ખાડા દેખાવા લાગેકોર્પોરેશનની આ કામગીરી સામે હવે નાગરિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. નાગરિકોનો સવાલ છે કે જો પેચવર્ક થોડા દિવસના વરસાદમાં જ ઉખડી જવાનું હોય તો જાહેર નાણાંનો ખર્ચ કરીને કરાતી આવી કામગીરીનો શું અર્થ?
એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ વચ્ચે હવે શ્રીજીની વિસર્જન યાત્રા પહેલાં કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગોના ખાડા અને ઉખડેલા પેચવર્કની યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી લોકમાગ છે.


