શહેરના વોર્ડ 13માં દૂધવાલા મહોલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીમાં દુષિત પાણીથી લોકોમાં આક્રોશ

વડોદરાના મેયરના વોર્ડમાં જ એક મહિનાથી રહીશો દૂષિત પાણીથી ત્રસ્ત

MailVadodara.com - Polluted-water-in-Dudhwala-Mohalla-and-Zakaria-Masjid-street-in-Ward-13-of-the-city-has-angered-the-people

- નળમાંથી આવતું પાણી પીળા રંગનું, અતિશય દુર્ગંધ મારતું અને જીવડાંવાળું હોવાથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ, ઉકેલ નહીં આવે તો માટલા ફોડી વિરોધની ચીમકી

વડોદરા શહેરમાં કેટલાય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઇ ઉઠ્યાં છે. કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી પૂરતા દબાણ સાથે નથી મળી રહ્યું તો કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી દુષિત મળી રહ્યું હોવાની અનેકવિધ ફરિયાદો ઉઠી છે. ત્યારે શહેરના વોર્ડ 13 એટલે કે મેયરના વોર્ડમાં જ લોકો દુષિત પાણીના કારણે પરેશાન છે.

વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણાના પોતાના જ મતવિસ્તાર એટલે કે વોર્ડ નંબર-13માં છેલ્લા એક મહિનાથી સ્થાનિક નાગરિકો પીવાના પાણીની ગંભીર અને જોખમી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વોર્ડના ન્યાય મંદિર નજીક આવેલા દુધવાલા મોહલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીમાં વસતા સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી ઘરોમાં આવતા પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે. નળમાંથી આવતું પાણી પીળા રંગનું, અતિશય દુર્ગંધ મારતું અને જીવડાંવાળું હોવાથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિક લોકોમાં કોલેરા, ઝાડા-ઉલ્ટી અને કમળા જેવા ગંભીર રોગો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે, જેમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, આ નર્કાગાર જેવી સ્થિતિ અંગે તેઓએ વડોદરા કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ અને વહીવટી તંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. આમ છતાં, આજદિન સુધી તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને અધિકારીઓ માત્ર પોકળ આશ્વાસનો આપી રહ્યા છે. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની આવી ઘોર ઉદાસીનતા અને નબળી કામગીરીથી લોકો પરેશાન થઇ ઉઠ્યા છે.


સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો શહેરના પ્રથમ નાગરિક અને મેયરના પોતાના જ વોર્ડમાં જનતાને શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોય, તો વડોદરાના અન્ય સામાન્ય વિસ્તારોની સ્થિતિ કેટલી બદતર હશે તેની કલ્પના કરવી જ ધ્રુજાવી દે તેવી છે. આ અસહ્ય સમસ્યાથી પીડાતા નાગરિકોએ હવે સીધા મેયર ગીતાબેન મકવાણા સમક્ષ આ મામલે તાત્કાલિક અને અંગત રસ લઈને હસ્તક્ષેપ કરવાની ઉગ્ર માંગ કરી છે. લોકોનું કહેવું છે કે ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનનું જોડાણ ક્યાંથી લીક થાય છે તેની તપાસ કરાવીને આ ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. સ્થાનિકોએ વહીવટી તંત્રને અને મેયરને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે, જો આગામી ખૂબ જ ટૂંકા સમયમાં શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો સમગ્ર વિસ્તારના રહીશો ભેગા મળીને વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે માટલા ફોડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલન આદરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

Share :

Leave a Comments